
અતિશય ગરમી અને અસહ્ય ઉનાળામાં નારિયેળ પાણી શરીર માટે કોઈ અમૃતથી ઓછું નથી. તે માત્ર તરસ જ નથી છિપાવતું પણ શરીરને તરત જ એનર્જી આપે છે. પરંતુ, વારંવાર લોકો મોટું નારિયેળ જોઈને તેને ખરીદી લે છે અને ઘરે આવીને ખબર પડે છે કે તેમાં પાણી તો માત્ર અડધો ગ્લાસ જ હતું. તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એક નારિયેળ વેચતા અનુભવી ભાઈએ કેટલીક એવી ટિપ્સ શેર કરી છે જે તમને દરેક વખતે પરફેક્ટ નારિયેળ અપાવશે.

સાઈઝનું સાચું ગણિત: મોટાભાગના લોકો એવું માને છે કે મોટું નારિયેળ એટલે વધુ પાણી, પણ આ વાત તદ્દન ખોટી છે. વેપારીના મતે, હંમેશા મધ્યમ (મીડિયમ) સાઈઝનું નારિયેળ જ પસંદ કરવું જોઈએ. બહુ મોટા નારિયેળમાં ઘણીવાર મલાઈ બની ગઈ હોય છે જેના કારણે પાણીની માત્રા ઘટી જાય છે.

જો અવાજ આવે તો સમજો પાણી ઓછું છે: ઘણા લોકો નારિયેળને કાન પાસે હલાવીને ચેક કરે છે, પણ શું ચેક કરવું તે નથી જાણતા. જો નારિયેળ હલાવતી વખતે પાણી છલકવાનો જોરદાર અવાજ આવે, તો તેને બિલકુલ ન લેવું. તેનો અર્થ એ છે કે અંદર હવા વધુ છે અને પાણી ઓછું. જે નારિયેળ પાણીથી છલોછલ ભરેલું હોય તેમાં જગ્યા ઓછી હોવાથી અવાજ આવતો નથી અથવા બહુ ધીમો આવે છે.

'3-સાઈડ' વાળા નારિયેળથી સાવધાન: નારિયેળની બનાવટ પર ખાસ ધ્યાન આપો. જો નારિયેળનો આકાર ઉપરથી ત્રિકોણો એટલે કે ત્રણ ખૂણા વાળો દેખાતો હોય તો તેને ન ખરીદો. આવા નારિયેળ અંદરથી ખાલી હોવાની શક્યતા વધુ હોય છે. તેના બદલે જે નારિયેળ ગોળ અથવા લંબગોળ હોય તે પસંદ કરો, કારણ કે તેમાં પાણીનો સંગ્રહ વધુ થાય છે.

રંગ અને વજનની પરખ: માત્ર લીલુંછમ નારિયેળ જોઈને ન લલચાવું. ઘણીવાર જેનું બહારનું પડ થોડું સુકાયેલું કે ભૂરા રંગનું હોય તેમાં પાણી સૌથી વધુ પાકેલું અને મીઠું હોય છે. આ ઉપરાંત, બે સરખા દેખાતા નારિયેળમાં જે હાથમાં પકડતા વધુ વજનદાર લાગે તેને જ ખરીદવું. ભારેપણું એ સીધો સંકેત છે કે તેમાં પાણી ભરપૂર છે.

ડંઠલ અને તાજગી: નારિયેળના ઉપરના ભાગે જ્યાં ડંઠલ હોય ત્યાં જો ઊંડો ખાડો દેખાય અને આસપાસનો ભાગ લીલો હોય તો તે તાજું છે. જો ત્યાં કોઈ કાણું કે કાળાશ દેખાય તો તે અંદરથી સડેલું હોઈ શકે છે.

હવે જ્યારે પણ નારિયેળ પાણી પીવાનું મન થાય ત્યારે વેપારીની આ ટિપ્સ જરૂર યાદ રાખજો, તમારા પૈસા વસૂલ થઈ જશે!