
બહારનું અનહેલ્ધી ખાવાનું અને વધુ પડતો તેલ-મસાલો ખાવાથી પેટને લગતી તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે. આમાં એસિડિટી, બ્લોટિંગ (પેટ ફૂલવું) ખૂબ જ કોમન છે. આનાથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓનું સેવન કરે છે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે, 'હરડે' પેટને લગતી દરેક સમસ્યામાંથી છુટકારો અપાવવામાં મદદરૂપ છે.

આયુર્વેદમાં હરડેને એક ઔષધિ માનવામાં આવી છે, જેને જડીબુટ્ટીઓની રાણી પણ કહેવામાં આવે છે. તે વાત, પિત્ત અને કફને સંતુલિત કરવામાં મદદ કરે છે. જો કે, પેટને લગતી સમસ્યાઓ માટે તેને રામબાણ માનવામાં આવે છે. જો તમે નિયમિત રીતે સવારે ખાલી પેટે હરડેનું પાણી પીઓ છો, તો તે તમારા પાચનતંત્રને સુધારી શકે છે.

હરડેમાં કુદરતી રીતે 'રેચક' (પેટ સાફ કરનાર) ગુણધર્મો હોય છે. તે આંતરડાના પાચક ઉત્સેચકો (એન્ઝાઇમ્સ) વધારે છે અને મળત્યાગને સરળ બનાવે છે. રાત્રે સૂતા પહેલા અથવા સવારે ખાલી પેટે આનું પાણી પીવાથી વર્ષો જૂની કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પેટ ખુલીને સાફ થાય છે. ધીમી પાચનશક્તિના કારણે ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના લીધે શરીરમાં ટોક્સિન્સ (ઝેરી તત્વો) બનવા લાગે છે. હરડેનું પાણી પાચક રસો અને ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે, જેનાથી ખોરાકનું પાચન ઝડપથી અને યોગ્ય રીતે થાય છે.

વધુ મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં ગેસ થવો, પેટ ફૂલવું અને ખાટા ઓડકાર આવવા સામાન્ય બાબત છે. હરડેમાં એન્ટી-ફ્લેટ્યુલેન્ટ (ગેસ દૂર કરનાર) ગુણ હોય છે, જે પેટમાં વધુ પડતો એસિડ બનતા અટકાવે છે અને પેટનો સોજો તેમજ ભારેપણું તરત જ ઓછું કરે છે. હરડેનું પાણી એક ઉત્તમ ડિટોક્સ ડ્રિંક છે. તે આંતરડામાંથી હાનિકારક ટોક્સિન્સને બહાર કાઢે છે. આંતરડાની સફાઈ થવાથી શરીર પોષક તત્વોને વધુ સારી રીતે શોષી શકે છે.

ખરાબ પાચન અને સ્લો મેટાબોલિઝમ વજન વધવાનું મુખ્ય કારણ હોય છે. હરડેનું પાણી શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી હરડેનો પાવડર મિક્સ કરો. તેને રાતભર ઢાંકીને રાખી દો અને સવારે ખાલી પેટે ગાળીને પી લો. તમે ઇચ્છો તો રાત્રે સૂતા પહેલા પણ આનું સેવન કરી શકો છો.