
વરસાદી મોસમ દરમિયાન અહીંનો માર્ગ પ્રવાસ માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે, આ સ્થળની મુલાકાત માટે દિવસના સમયે જ જવાનું યોગ્ય ગણાય છે, કારણ કે જંગલવિભાગની ચેકપોસ્ટ પરથી સાંજે 7 વાગ્યા પછી પ્રવેશ મંજૂર નથી. ઉપરાંત, સાસણગીર વિસ્તારમાં સિંહો સહિત હિંસક પ્રાણીઓની ઉપસ્થિતિ હોવાથી સુરક્ષાની વિશેષ કાળજી લેવી જરૂરી છે.

લોકવાર્તાઓ અનુસાર, ઈસવીસનની આઠમી સદી દરમિયાન વનરાજ ચાવડા વંશમાં કનક ચાવડા નામના રાજાની ઉત્પત્તિ થઈ હતી. તેણે કનકાવતી નામની નગરીની સ્થાપના કરી હતી.માતા કનકાઈને આ નગરીની રક્ષિકા દેવી તરીકે સ્થાપિત કરવામાં આવી હતી.

એક અન્ય લોકપ્રચલિત કથાનક મુજબ મૈત્રક વંશના આરંભક કનકસેન અયોધ્યાના સુર્યવંશી રાજવી હતા. તેમણે સૌરાષ્ટ્રના વીરનગર ખાતે પરમાર વંશના શાસકને પરાજય આપ્યો હતો.તેમના વંશજ વિજયસેને વિજયપુર (આજનું ધોળકા) નગરીની સ્થાપના કરી અને અન્ય વંશજ ભટ્ટાર્કે વલભીપુર વસાવ્યું. કહેવાય છે કે કનકસેન બાદમાં મધ્ય ગિર વિસ્તારમાં આવ્યા હતા અને ત્યાં કનકાવતી નામની નગરી વસાવી.તેમણે માં કનકાઈને આ નગરીની રક્ષિકા દેવી તરીકે સ્થાપિત કરી હતી.

આ પવિત્ર ધામનો પ્રથમ જીર્ણોધાર સંવત 1864 દરમિયાન કરાયો હોવાનું જાણવા મળે છે, જોકે તે કામ કોના દ્વારા કરાયું હતું તેની ખાસ કાંઈ માહિતી નથી. સમય પસાર થતાં મંદીર ફરીથી પુરાતન અવસ્થામાં પહોંચી ગયું.

પછી સંવત 2006માં મંદિરના નવીન જીર્ણોધાર માટે લોકજાગૃતિ ફેલાઈ અને એક સમિતિની રચના કરવામાં આવી. સમિતિએ આકાર્ય માટે જરૂરી નાણાં એકત્ર કર્યા અને પુનઃનિર્માણ કાર્ય શરૂ થયું. અંતે સંવત 2008, તારીખ 3 માર્ચ 1952ના દિવસે, જૂના મંદિરમાં પ્રતિષ્ઠિત માતાજીની મૂર્તિનું ઔપચારિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ ઉત્સાહભેર આયોજન સાથે સંપન્ન કરાઈ.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)