
આજકાલ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઘણી વાર બ્લડ સુગરનું સ્તર વધવા પર શરીર કેટલાક એવા સંકેતો આપવા લાગે છે કે, જેને લોકો સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દે છે. સતત વધેલું બ્લડ સુગર શરીરના ઘણા અંગોને પ્રભાવિત કરી શકે છે, તેથી તેના લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી છે.

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જ્યારે બ્લડ ગ્લુકોઝનું સ્તર ખૂબ વધી જાય છે, ત્યારે કિડની ફિલ્ટર કરેલા તમામ ગ્લુકોઝને ફરીથી શોષી શકતા નથી. તેમણે કહ્યું કે, ગ્લુકોઝ પેશાબમાં ભળી જાય છે અને ઓસ્મોટિક ડાય્યુરેસિસ દ્વારા પોતાની સાથે પાણી પણ ખેંચે છે, જેનાથી વધારે અને વારંવાર પેશાબ આવે છે.

પેશાબ દ્વારા વધારે પાણી નીકળી જવાથી શરીરમાં પાણીની કમી થઈ જાય છે અને લોહી ઘટ્ટ થઈ જાય છે. આના જવાબમાં 'મગજ' તરસ વધારે છે, જેનાથી મોં સતત સૂકું રહી શકે છે અથવા પાણી પીધા પછી પણ સંતોષ થતો નથી.

હાઇપરગ્લાયસેમિયા અને દ્રષ્ટિની સમસ્યાઓ વચ્ચે સંબંધ દર્શાવતા એક્સપર્ટે કહ્યું, "વધારે ગ્લુકોઝ અસ્થાયી રૂપે આંખના લેન્સના પાણીના સંતુલન અને ફોકસ કરવાની ક્ષમતાને બદલી શકે છે. ગ્લુકોઝના સ્તરમાં ઉતાર-ચઢાવ આવવાથી દ્રષ્ટિમાં ફેરફાર થઈ શકે છે. લાંબા સમય સુધી હાઇપરગ્લાયસેમિયા રહેવાથી રેટિનાની રક્તવાહિનીઓને નુકસાન પહોંચી શકે છે, જેનાથી દ્રષ્ટિ વધુ નબળી પડી શકે છે."

તબીબી નિષ્ણાતે ચેતવણી આપી કે, લાંબા સમય સુધી ગ્લુકોઝનું સ્તર વધારે રહેવાથી રક્તસંચાર, ઇમ્યુન સેલનું કામ, કોલેજનનું ઉત્પાદન અને નવી રક્તવાહિનીઓનું બનવું પ્રભાવિત થઈ શકે છે. ડાયાબિટીસના કારણે ચેતાઓને નુકસાન પહોંચવાથી વાગેલા ઘાની ખબર પડવી મુશ્કેલ બની શકે છે, જેનાથી ઘા બગડી શકે છે અથવા વારંવાર ખૂલી શકે છે.

આ સિવાય જ્યારે ગ્લુકોઝ પેશાબમાં ભળે છે, ત્યારે તે કેન્ડીડા (એક પ્રકારની ફૂગ) ના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકે છે. લાંબા સમય સુધી હાઇપરગ્લાયસેમિયા રહેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી શકે છે, જે સામાન્ય રીતે યીસ્ટને નિયંત્રિત રાખે છે. આનાથી વારંવાર ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
Published On - 2:58 pm, Mon, 7 September 26