
આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ, ખાવા-પીવામાં ફાઈબરની કમી અને ઓછું પાણી પીવાની ટેવના કારણે કબજિયાત એક અત્યંત સામાન્ય સમસ્યા બની ગઈ છે. પેટ સાફ ન થવા પર આખો દિવસ ભારેપણું, ગેસ, માથાનો દુખાવો અને ચીડિયાપણું રહે છે. કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓનું સેવન કરે છે. એવામાં તમને ખબર નથી કે, કેટલાક નેચરલ ડ્રિંક્સને ડાયેટમાં એડ (Add) કરીને તમે કબજિયાતથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.

સવારે નયણા કોઠે (ખાલી પેટ) એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધા લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને પીવું કબજિયાતથી છુટકારો મેળવવાનો સૌથી જૂનો તેમજ અસરકારક ઉપાય છે. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પાચનતંત્રને સક્રિય કરે છે અને શરીરમાંથી ટોક્સિન્સ (ઝેરી તત્વો) બહાર કાઢવામાં મદદ કરે છે.

ઈસબગુલ એ ફાઈબરનો એક ઉત્તમ સ્ત્રોત છે. રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ નવશેકા દૂધ કે પાણીમાં 1-2 ચમચી ઈસબગુલ મિક્સ કરીને પીવો. ઈસબગુલ આંતરડામાં જમા થયેલા મળને નરમ બનાવે છે, જેનાથી સવારે પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

એલોવેરા (કુંવારપાઠું) માત્ર ત્વચા માટે જ નહીં પરંતુ પેટ માટે પણ વરદાન છે. એલોવેરામાં કુદરતી લેક્સેટિવ ગુણ હોય છે. સવારે ખાલી પેટ 2-3 ચમચી એલોવેરા જ્યુસને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી આંતરડાનો સોજો ઓછો થાય છે અને પાચનમાં સુધારો આવે છે.

રાત્રે 8-10 કાળી દ્રાક્ષ/મૂનક્કાને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો. સવારે આ પાણી પીવો અને મૂનક્કાને ચાવીને ખાઈ લો. મૂનક્કામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે આંતરડાની કાર્યક્ષમતા વધારે છે.

એક ચમચી જીરું અને અડધી ચમચી અજમો બે કપ પાણીમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય. તેને ગાળીને હૂંફાળું ગરમ પીવો. આ ડ્રિંક માત્ર કબજિયાતથી જ રાહત નથી આપતું પરંતુ પેટનો ગેસ, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને અપચાને પણ દૂર કરે છે.