
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં રોકાણ કરનારાઓ માટે 1 જુલાઈ 2026 થી કેટલાક મહત્વના ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. પેન્શન રેગ્યુલેટર PFRDA એ એકાઉન્ટ સાથે સંકળાયેલા ચાર્જ અંગે નવા નિયમો જાહેર કર્યા છે, જેનાથી હવે તમામ એકાઉન્ટ પર ફીની પદ્ધતિ એક સમાન થઈ જશે. આ ફેરફારોની અસર ખાસ કરીને Tier-II એકાઉન્ટ સ્કીમમાં રોકાણ કરનારાઓ અને લાંબા સમય સુધી પૈસા ન નાખનારા રોકાણકારો પર પડશે. આવી સ્થિતિમાં એ જણાવું જરૂરી છે કે, તમારે કેટલો ચાર્જ ચૂકવવો પડશે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં સૌથી મોટો ફેરફાર 'Tier-II' એકાઉન્ટને લઈને છે. હવે Tier-II નો ચાર્જ પણ Tier-I જેવો જ રહેશે. પહેલા Tier-II ને સસ્તું માનવામાં આવતું હતું પરંતુ હવે આ ફાયદો ખતમ થઈ જશે. બીજો એક ફેરફાર એ છે કે, હવે તમારા PRAN માં રહેલી દરેક સ્કીમને અલગ એકાઉન્ટ માનવામાં આવશે. ટૂંકમાં, જો તમે એકથી વધુ સ્કીમ પસંદ કરી હોય, તો દરેક પર અલગ-અલગ ચાર્જ લાગશે.

આ ઉપરાંત, જો કોઈ એકાઉન્ટ 4 ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) સુધી રોકાણ વગર પડ્યું રહે છે, તો તેને 'ડોર્મન્ટ' (નિષ્ક્રિય) માનવામાં આવશે. આવા એકાઉન્ટ પર પણ ઓછા દરે ચાર્જ લાગશે. Tier-II એકાઉન્ટમાં જો ક્વાર્ટરના અંતે બેલેન્સ 1,000 રૂપિયા સુધી હશે, તો કોઈ ચાર્જ લાગશે નહીં પરંતુ 1,000 રૂપિયાથી વધુ બેલેન્સ હોવા પર AMC (એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ) ચૂકવવો પડશે.

જો તમારું એકાઉન્ટ ડોર્મન્ટ થઈ જાય છે, તો તમારે AMC ના માત્ર 10% જ ચૂકવવા પડશે. સરળ રીતે, પૂરો ચાર્જ નહીં પણ થોડો ખર્ચ લાગશે. જો તમે એકથી વધુ સ્કીમમાં પૈસા રોક્યા છે, તો દરેક સ્કીમ પર અલગ-અલગ AMC ચૂકવવો પડશે. આનાથી કુલ ખર્ચ વધી શકે છે. જો કે, PRAN ખોલવાનો ચાર્જ માત્ર એક જ વાર લાગશે. બાદમાં નવું Tier-I કે Tier-II જોડવા પર કોઈ વધારાની ફી આપવી પડશે નહીં.

આ નવા નિયમો પછી રોકાણકારોએ પોતાની વ્યૂહરચના પર ધ્યાન આપવું પડશે. જો તમે Tier-II ને સસ્તા વિકલ્પ તરીકે માનીને ઉપયોગ કરી રહ્યા હતા, તો હવે ફરીથી વિચારવાની જરૂર છે. બીજું કે, જે લોકોએ પૈસા અલગ-અલગ સ્કીમમાં વહેંચ્યા છે, તેમના માટે કુલ ચાર્જ વધી શકે છે. આથી સ્કીમ પસંદ કરતી વખતે સાવધાની જરૂરી છે.

સાથે જ, એકાઉન્ટને ડોર્મન્ટ થતા બચાવવું પણ જરૂરી છે. જો તમે સમયાંતરે થોડું-થોડું રોકાણ કરતા રહેશો, તો વધારાના ચાર્જથી બચી શકો છો. એકંદરે, આ ફેરફારો સિસ્ટમને વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવે છે પરંતુ રોકાણકારોએ હવે પહેલા કરતા વધુ સમજદારી સાથે રોકાણ કરવું પડશે, જેથી બિનજરૂરી ખર્ચ ન વધે.