
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં લોકોની રુચિ સતત વધી રહી છે, જેમાં તાજેતરમાં આ રિટાયરમેન્ટ સેવિંગ્સ સ્કીમમાં થયેલા ફેરફારોનો પણ મોટો હાથ છે. NPS માંથી પૈસા ઉપાડવાના (Withdrawal) નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. કેટલીક પરિસ્થિતિઓમાં સબસ્ક્રાઇબર્સને આખું ફંડ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.

કસ્ટોડિયન ડોટ લાઈફના ફાઉન્ડર કુણાલ કાબરાએ જણાવ્યું હતું કે, "PFRDA એ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં NPS સબસ્ક્રાઇબર્સને પૂરેપૂરા પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. જો કોઈ સબસ્ક્રાઇબરનું કુલ ફંડ 8 લાખ રૂપિયાથી વધુ ન હોય, તો તે 60 વર્ષની ઉંમરે અથવા તે પછી આખું ફંડ ઉપાડી શકે છે. અગાઉ આ મર્યાદા 5 લાખ રૂપિયા હતી, જેને PFRDA એ તાજેતરમાં વધારીને 8 લાખ રૂપિયા કરી દીધી છે."

જો સબસ્ક્રાઇબર 60 વર્ષની ઉંમર પહેલા 100% પૈસા ઉપાડવા માંગતો હોય, તો તેના માટે બે શરતો છે. પ્રથમ, NPS ખાતું ઓછામાં ઓછું 5 વર્ષ જૂનું હોવું જોઈએ અને કુલ ફંડ 5 લાખ રૂપિયા સુધી હોવું જોઈએ. જો સબસ્ક્રાઇબરનું અવસાન થાય, તો પૂરેપૂરા પૈસા નોમિની અથવા કાયદેસરના વારસદારને મળી જાય છે. આ માટે ફંડની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

બીજું કે, જો NPS ફંડ 8 લાખ રૂપિયાથી વધુ હોય, તો એન્યુઈટી (Annuity) ખરીદવી ફરજિયાત છે. આ માટે સબસ્ક્રાઇબરની કેટેગરી મુજબ અલગ-અલગ નિયમો છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, "જો સબસ્ક્રાઇબર સરકારી કર્મચારી નથી અને NPS ફંડ 12 લાખ રૂપિયાથી વધુ છે, તો ઓછામાં ઓછા 20% ફંડનો ઉપયોગ એન્યુઈટી ખરીદવા માટે કરવો પડશે. આનો અર્થ એ છે કે, સબસ્ક્રાઇબર 80% પૈસા (માત્ર 60% ટેક્સ-ફ્રી) એકસાથે ઉપાડી શકે છે."

વધુમાં, જો સબસ્ક્રાઇબર સરકારી કર્મચારી હોય અને NPS ફંડ 12 લાખ રૂપિયાથી વધુ હોય, તો 40% હિસ્સાનો ઉપયોગ એન્યુઈટી ખરીદવા માટે કરવો પડશે. આનો અર્થ એ છે કે, 60% રકમ એકસાથે ઉપાડી શકાય છે.

PFRDA એક્ઝિટ રેગ્યુલેશનના નિયમ 4(1)(b) મુજબ, જો સબસ્ક્રાઇબર 60 વર્ષની ઉંમર પૂરી થાય તે પહેલાં પૈસા ઉપાડવા માંગતો હોય, તો NPS ના ઓછામાં ઓછા 5 વર્ષ પૂરા થયા બાદ તે વિડ્રોઅલ કરી શકે છે. જો કુલ ફંડ 5 લાખ રૂપિયાથી વધુ ન હોય, તો તે આખું ફંડ ઉપાડી શકે છે. જો ફંડ 5 લાખ રૂપિયાથી વધુ હોય, તો તેણે 80% રકમનો ઉપયોગ એન્યુઈટી ખરીદવા માટે કરવો પડશે અને બાકીના પૈસા તે એકસાથે ઉપાડી શકે છે.