
નિષ્ણાતોના મતે, વૈશ્વિક બજારમાં નબળા વલણ, યુએસ ડોલરમાં મજબૂતાઈ અને રોકાણકારો દ્વારા ઊંચા સ્તરે નફા બુકિંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીનું કહેવું છે કે, અમેરિકાના મજબૂત જોબ માર્કેટ ડેટાથી વ્યાજ દરમાં કપાતની અપેક્ષા ઘટી ગઈ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના પર દબાણ આવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક બજારમાં પણ ભૌતિક માંગ નબળી પડી છે.

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, સ્પોટ ગોલ્ડ 38.95 ડોલર અથવા 1.17 ટકા ઘટીને 3,297.69 ડોલર પ્રતિ ઔંસ થયું. પીએલ કેપિટલના સીઈઓ સંદીપ રાયચુરાએ જણાવ્યું કે, અમેરિકા અને અન્ય દેશો વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો અને સીઝફાયર જેવી જાહેરાતોને કારણે સોનામાં સલામત રોકાણની માંગમાં ઘટાડો થયો છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે, કેન્દ્રીય બેંકો હજુ પણ દર વર્ષે 1,000 ટનથી વધુ સોનું ખરીદી રહી છે, તેથી કિંમતો લાંબા સમય સુધી સ્થિર રહી શકે છે.

LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદીએ જણાવ્યું કે, યુએસ ફેડની FOMC (ફેડરલ ઓપન માર્કેટ કમિટી) ની બેઠકની મિનિટ્સ આ અઠવાડિયે બુધવારે જાહેર કરવામાં આવશે, જેનાથી સંકેત મળી શકે છે કે ફેડરલ રિઝર્વ પોતાની નાણાકીય નીતિને કઈ દિશામાં આગળ વધારશે. જણાવી દઈએ કે, આની સીધી અસર સોનાના અને ચાંદીના ભાવ પર પડશે.