
MCX પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે ₹3,600નો ઘટાડો આવ્યો છે. કારોબાર દરમિયાન ગોલ્ડ કોન્ટ્રેક્ટ ગગડીને લગભગ ₹1,55,650 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગયો. આ પહેલાં સોનું રેકોર્ડ ઊંચાઈની આસપાસ કારોબાર કરી રહ્યું હતું પરંતુ ભારે વેચવાલીના કારણે ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ ચાંદીમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે.

MCX પર સિલ્વર કોન્ટ્રેક્ટ આશરે ₹15,000 પ્રતિ કિલોગ્રામ તૂટીને લગભગ ₹2,49,379 પ્રતિ કિલોગ્રામના સ્તર પર આવી ગયો છે. ચાંદીમાં આ ઘટાડો સોનાની સરખામણીએ વધુ રહ્યો છે, જેનાથી રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે.

બજારના નિષ્ણાતો (એક્સપર્ટ્સ) અનુસાર, તાજેતરના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં આવેલી તેજી બાદ રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આ સિવાય વૈશ્વિક આર્થિક સંકેતો અને ડોલરમાં મજબૂતીની અસર પણ કિંમતી મેટલ્સ પર જોવા મળી છે.

આવનારા સમયમાં સોના અને ચાંદીના ભાવોમાં ઉતાર-ચઢાવ યથાવત રહી શકે છે. જો કે, જીઓ-પોલિટિકલ ટેન્શન અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે લાંબાગાળે રોકાણકારોનો સુરક્ષિત રોકાણ (Safe Haven) તરીકે સોના અને ચાંદીમાં રસ જળવાઈ રહી શકે છે.

કોમોડિટી બજારના જાણકારોનું કહેવું છે કે, વર્તમાન ઘટાડા પછી રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો, ડોલર ઇન્ડેક્સ અને વૈશ્વિક આર્થિક આંકડાઓ પર નજર રાખશે, જે આગળની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.