
ભારતમાં સોનું હંમેશા સુરક્ષિત રોકાણ અને ઇમરજન્સી ફંડ માટે સૌથી ભરોસાપાત્ર વિકલ્પ રહ્યું છે પરંતુ હવે આ સોનું જ તમારી EMI ઓછી થવાની આશાને મોટો ઝટકો આપી શકે છે.

રિઝર્વ બેંકે (RBI) પહેલીવાર સ્પષ્ટ કર્યું છે કે, સોના અને ચાંદીના ભાવમાં થઈ રહેલો વધારો મોંઘવારીને ઊંચા સ્તરે જાળવી રાખવાનું કામ કરી રહ્યો છે. આનો અર્થ એ છે કે, જો લોકો સતત સોનું ખરીદતા રહેશે, તો વ્યાજ દરોમાં ઘટાડો કરવો મુશ્કેલ બની શકે છે, જેની સીધી અસર તમારા હોમ લોન અને કાર લોનના EMI પર પડશે.

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, સોના અને ચાંદીની કિંમતોમાં આવેલો ઉછાળો મોંઘવારી પર મોટી અસર કરી રહ્યો છે. RBIએ કહ્યું છે કે, માત્ર ગોલ્ડ અને સિલ્વર જ મોંઘવારીમાં આશરે 0.60% થી 0.70% નો ઉમેરો કરી રહ્યા છે.

જો આ બંનેને મોંઘવારીના આંકડામાંથી હટાવી દેવામાં આવે, તો કોર ઇન્ફ્લેશન (Core Inflation) માત્ર 2.6% રહી જાય છે, જે ખૂબ જ નિયંત્રિત સ્તર માનવામાં આવે છે. આના પરથી સાફ થાય છે કે, કિંમતી ધાતુઓની તેજી મોંઘવારીને ઊંચી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

કોર ઇન્ફ્લેશન એવી મોંઘવારી છે કે, જે ખાવા-પીવાની ચીજો કે હવામાન જેવા કામચલાઉ કારણોથી પ્રભાવિત થતી નથી. RBI મોનેટરી પોલિસી બનાવતી વખતે આ આંકડા પર સૌથી વધુ ધ્યાન આપે છે. જો કોર ઇન્ફ્લેશન ઊંચું રહે છે, તો RBI વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળે છે. આવી સ્થિતિમાં, સોના અને ચાંદીની તેજી પરોક્ષ રીતે વ્યાજ દરોને ઊંચા રાખવાનું કારણ બની શકે છે.

જો વ્યાજ દરોમાં ઘટાડો નહીં થાય, તો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI લાંબા સમય સુધી ઊંચી રહી શકે છે. ટૂંકમાં, સમાજમાં સોનાની વધુ પડતી ખરીદી એ માત્ર રોકાણનો નિર્ણય નથી પણ આની અસર આખી નાણાકીય સિસ્ટમ પર પડી શકે છે. સોનાની વધતી માંગ મોંઘવારીને ઊંચી રાખી શકે છે, જેના કારણે RBIએ કડક વલણ અપનાવવું પડી શકે છે.

ઘણા વર્ષો સુધી સોનાને મોંઘવારી સામે બચવાનું સૌથી મજબૂત હથિયાર માનવામાં આવતું હતું પરંતુ હવે ઝડપથી વધતી કિંમતોને કારણે એ જ સોનું મોંઘવારીનું એક મહત્વનું કારણ બની રહ્યું હોય તેવું લાગે છે. સરકારની આર્થિક સમીક્ષામાં પણ સંકેત આપવામાં આવ્યો છે કે, જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા અને જીઓ-પોલિટિકલ તણાવ ઓછો નહીં થાય, ત્યાં સુધી સોનું તેમજ ચાંદી સસ્તા થવાની શક્યતા ઓછી છે.

નિષ્ણાતોનું માનવું છે કે, સોનાને સમગ્ર રોકાણ વ્યૂહરચનાનો આધાર ન બનાવવો જોઈએ. કુલ નેટવર્થના 10% થી 15% સુધી સોનામાં રોકાણ પૂરતું માનવામાં આવે છે. આ ઉપરાંત, રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોને બેલેન્સ રાખવો જોઈએ. એવા રોકાણ વિકલ્પોને પણ જોડવા જોઈએ કે, જેને વ્યાજ દરોમાં ઘટાડો થવાથી ફાયદો થઈ શકે. સૌથી મહત્વની વાત એ છે કે, સોનાને એક 'વીમા' (Insurance) તરીકે જુઓ, ભાવનાત્મક કે અમર્યાદિત રોકાણ તરીકે નહીં.

વર્ષ 2026 માં પહેલીવાર એવી સ્થિતિ સર્જાઈ છે કે, જ્યાં 'સોનું' જેને મોંઘવારીથી બચવાનું મોટું હથિયાર માનવામાં આવતું હતું, તે જ મોંઘવારી વધારવાનું કારણ બની રહ્યું છે. આનો સીધો અર્થ છે કે, જો સોના પાછળની આ ઘેલછા ચાલુ રહેશે, તો તમારી EMI ઓછી થવામાં વિલંબ થઈ શકે છે.