
મોટાભાગના ભારતીય ગ્રાહકો અજાણતા 10 ગ્રામને જ એક તોલા માની લે છે. એવામાં આનાથી ગણતરીમાં તફાવત આવી શકે છે. જો તમે પણ આ સીઝનમાં સોનાના ઘરેણાં કે સિક્કા ખરીદવાનું વિચારી રહ્યા છો, તો વજન અને શુદ્ધતાની આ વિગતો સમજવી તમારા માટે ખૂબ જ જરૂરી છે.

તોલા (Tola) નું અસલી સત્ય સમજીએ તો, ઐતિહાસિક અને ટેકનિકલ રીતે 1 તોલા એટલે 11.6638 ગ્રામ થાય છે. બ્રિટિશ કાળમાં આ જ માપદંડનો ઉપયોગ થતો હતો. જો કે, આધુનિક સમયમાં ગણતરી સરળ બનાવવા માટે ભારતીય ઝવેરી બજારમાં વેપારીઓએ 1 તોલાને 10 ગ્રામ ગણવાનું શરૂ કરી દીધું છે.

હવે સવાલ એ છે કે, આની તમારા પર શું અસર પડે છે? જણાવી દઈએ કે, જ્યારે તમે જૂના ઘરેણાં વેચવા જાઓ છો, ત્યારે ઘણીવાર જૂના હિસાબ મુજબ તેને 11.66 ગ્રામના તોલાના આધારે તોલવામાં આવે છે પરંતુ ખરીદતી વખતે તમને 10 ગ્રામનો રેટ બતાવવામાં આવે છે. આથી હંમેશા સોનાનું વજન 'ગ્રામ' માં જ ચેક કરો અને તેના આધારે જ પેમેન્ટ કરો.

ખાસ વાત એ છે કે, ગ્રામીણ વિસ્તારો અને પરંપરાગત ઝવેરીઓ પાસે આજે પણ રત્તી તેમજ માસા જેવા જૂના માપદંડોનું ચલણ જોવા મળે છે, ખાસ કરીને હીરા અને પન્ના જેવા કિંમતી રત્નો આજે પણ 'રત્તી'માં જ માપવામાં આવે છે. આનું ગણિત સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે વજનનો સૌથી નાનો એકમ રત્તી અંદાજે 0.1215 ગ્રામની હોય છે. આવા 8 રત્તી મળીને એક માસો બને છે, જેનું વજન લગભગ 0.97 ગ્રામ હોય છે અને જ્યારે 12 માસા ભેગા થાય ત્યારે એક તોલો તૈયાર થાય છે. જો તમે રત્તીના હિસાબે કોઈ રત્ન મઢાવી રહ્યા હોવ, તો એ ખાતરી કરવી અનિવાર્ય છે કે, ઝવેરી સાચા ગ્રામ વજનનો જ ઉપયોગ કરી રહ્યો છે, જેથી ગણતરીમાં કોઈ ભૂલ ન રહે.

સોનાના વજન પછી સૌથી મહત્વની વસ્તુ તેની શુદ્ધતા એટલે કે 'કેરેટ' છે. સોનાની શુદ્ધતાને સમજવા માટે તેના ત્રણ મુખ્ય પ્રકાર જાણવા ખૂબ જરૂરી છે, જેમાં 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ માનવામાં આવે છે અને તે રોકાણ માટે શ્રેષ્ઠ છે પરંતુ તે અત્યંત નરમ હોવાથી તેના સીધા ઘરેણાં બનાવી શકાતા નથી. ઘરેણાં બનાવવા માટે 22 કેરેટ સોનું ઉત્તમ ગણાય છે, જેને '916 ગોલ્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં મજબૂતી લાવવા માટે તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવવામાં આવે છે. આ સિવાય, જ્યારે હીરા કે અન્ય કિંમતી અને ભારે પથ્થરો મઢવાના હોય, ત્યારે સામાન્ય રીતે 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જે 75% શુદ્ધ હોય છે.

આ સિવાય માત્ર 'હોલમાર્ક' જોવું પૂરતું નથી. સરકારે HUID (Hallmark Unique Identification) ફરજિયાત બનાવ્યું છે. આ 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ હોય છે, જેને તમે 'BIS Care App' પર નાખીને સોનાની શુદ્ધતા, વજન અને ઝવેરીનું નામ ચેક કરી શકો છો. આના વિના સોનું ખરીદવું જોખમી હોઈ શકે છે.

મેકિંગ ચાર્જીસ અને ટેક્સનો હિસાબ સમજીએ તો, સોનાની કિંમત માત્ર તેના વજન પર નિર્ભર નથી હોતી. ફાઇનલ બિલ (સોનાનું વજન × આજનો ભાવ) + મેકિંગ ચાર્જીસ + 3% GST) કંઈક આ રીતે બને છે. મેકિંગ ચાર્જીસ 5% થી 25% સુધી હોઈ શકે છે. અનુભવી ગ્રાહકો હંમેશા મેકિંગ ચાર્જીસ પર ભાવતાલ (Bargaining) કરે છે, કારણ કે આ જ જગ્યાએ તમે તમારા પૈસા બચાવી શકો છો.