
છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદી જેવી ધાતુના ભાવ જે ઝડપે ઘટ્યા છે, તેણે સામાન્ય રોકાણકારોથી લઈને મોટા ખેલાડીઓ સુધીના દરેકને ચોંકાવી દીધા છે. ટૂંકમાં, જે લોકો ગઈકાલ સુધી રેકોર્ડબ્રેક ઊંચાઈની વાતો કરી રહ્યા હતા, તેઓ આજે મૂંઝવણમાં છે કે, હવે આગળ શું થશે?

એવામાં અર્થશાસ્ત્રના નિષ્ણાત શરદ કોહલીએ આ ઘટાડા અંગે જે વિશ્લેષણ રજૂ કર્યું છે, તે ડર પેદા કરવાને બદલે સ્થિતિને વધુ સ્પષ્ટ કરનારું છે. શરદ કોહલીના જણાવ્યા મુજબ, સોનું અંદાજે ₹1,80,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ અને ચાંદી ₹4,20,000 પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ હતી. ત્યારબાદ એક જ ઝટકામાં સોનામાં આશરે 1,000 ડોલર અને ચાંદીમાં અંદાજે ₹40,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

કોહલી આ ઘટાડાને વર્ષ 1980 પછીનો સૌથી મોટો ઘટાડો માને છે. કોહલીના જણાવ્યા અનુસાર, હવે સતત ઘટાડો ચાલુ રહેશે. તેમના શબ્દોમાં કહીએ તો, “આ ઘટાડો વાસ્તવિક માંગમાં ઘટાડો નથી પરંતુ સટ્ટાબાજીના ફુગ્ગાના ફૂટવા જેવો છે.” કોહલી કોઈ એક ચોક્કસ લઘુત્તમ સ્તરની સીધી આગાહી કરતા નથી પરંતુ તેઓ સંકેત જરૂર આપે છે. તેમનું કહેવું છે કે, જો હાલના સ્તરો પર કિંમતો થોડા દિવસો સુધી ટકી જાય છે, તો સમજી લો કે બજારે તેની અસલી કિંમત (Real Value) પકડી લીધી છે.

ત્યારબાદ ધીમે-ધીમે રિકવરીનો રસ્તો ખુલશે. આ રિકવરી એક અઠવાડિયા કે એક મહિનામાં નહીં પરંતુ 2–3 મહિનાથી લઈને 6 મહિના જેટલો સમય લઈ શકે છે. કોહલી આ આખી ઘટનામાં ડોલર ઇન્ડેક્સ (Dollar Index) ની ભૂમિકાને વારંવાર રેખાંકિત કરે છે. તેમનું કહેવું છે કે, જ્યારે ડોલર ઇન્ડેક્સ 98 થી ઘટીને 96 ની નજીક આવ્યો હતો, ત્યારે જ સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, અમેરિકામાં ડોલરને મજબૂત બતાવવાના પ્રયાસો શરૂ થયા અને તરત જ બજારનું વલણ બદલાઈ ગયું.

કોહલીના મતે જો ડોલર ઇન્ડેક્સ 97–96 થી નીચે જશે, તો સોના-ચાંદી ફરીથી ઉપરની તરફ વધવા લાગશે. તેમણે અમેરિકાની નીતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસન અને ફેડરલ રિઝર્વ સાથે જોડાયેલી ચર્ચાઓએ સટ્ટાખોરોમાં ગભરાટ પેદા કર્યો છે. જેરોમ પોવેલ પછીના નામો પર ચાલી રહેલી અટકળો અને કેવિન વોર્શ જેવા મજબૂત ડોલરના સમર્થકોના સમાચારોએ બજારને સેલિંગ સાઈડ (વેચાણ તરફ) ધકેલી દીધું છે. આની સીધી અસર કોમેક્સ (COMEX) એક્સચેન્જ પર જોવા મળી, જ્યાં જાન્યુઆરીના અંતિમ દિવસોમાં મંથલી કોન્ટ્રાક્ટ એક્સપાયરી દરમિયાન મોટાપાયે કોન્ટ્રાક્ટ કાપવામાં આવ્યા હતા.

કોહલી જણાવે છે કે, પહેલા જ્યાં કોન્ટ્રાક્ટ રોલ ઓવર (આગળ વધારવા) થઈ રહ્યા હતા, ત્યાં અચાનક વેચવાલી શરૂ થઈ અને એક 'ડોમિનો ઈફેક્ટ' સર્જાઈ. ચાંદીમાં તો હાલત એવી હતી કે, એક કિલોના વાસ્તવિક જથ્થા સામે સેંકડો સટ્ટાકીય કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા હતા, જે અસલી માંગ કરતા ક્યાંય વધારે હતા.

કોહલીનું માનવું છે કે, હવે આ ઘટાડા પછી બજારમાંથી સટ્ટાબાજીનો હિસ્સો મોટાભાગે નીકળી ગયો છે અને જે કિંમત બચી છે, તે જ સાચી વેલ્યુ (અસલી કિંમત) દર્શાવે છે. હવે અહીંથી જ સ્થિરતા અને પછી રિકવરીનો પાયો નખાશે. અહીં આ રિકવરીને મજબૂતી આપનારા પરિબળ તરીકે તેઓ Geopolitical Tensions નો ઉલ્લેખ કરે છે. "ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો, રશિયા-યુક્રેન યુદ્ધની તસવીરો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી વાતચીત" આ તમામ પરિસ્થિતિઓ સોના-ચાંદીને એક 'સુરક્ષિત રોકાણ' (Safe Haven) બનાવે છે. કોહલી યાદ અપાવે છે કે, ભૂતકાળમાં પણ આવા "મૂડ ઇન્ડેક્સ" અને વૈશ્વિક તણાવે બજારને ઉપર તરફ ધકેલ્યું છે.

સૌથી મજબૂત સંકેત તરીકે તેઓ સેન્ટ્રલ બેંકોના વલણને સામે રાખે છે. તેમનું કહેવું છે કે, વિશ્વની મોટી સેન્ટ્રલ બેંકો, જે સોનાની સૌથી મોટી ખરીદદાર છે, તેમણે આ ઘટાડામાં પણ પોતાની હોલ્ડિંગ (સોનાનો જથ્થો) વેચી નથી. ETF અને સેન્ટ્રલ બેંકોની આ મજબૂત પકડ બજાર માટે ભરોસાનો સંકેત છે કે, આ ઘટાડો કામચલાઉ છે, કાયમી નથી.

ભારતમાં બજેટ પહેલાની ચર્ચાઓ, વીકેન્ડની અફવાઓ અને રાજકીય નિવેદનોએ પણ અમુક અંશે સેન્ટિમેન્ટ (બજારના વલણ)ને નબળું પાડ્યું છે પરંતુ કોહલી આને ક્ષણિક અસર માને છે. રોકાણકારો માટે તેમની સલાહ સ્પષ્ટ છે કે, જે લોકોએ ઊંચા ભાવે સોનું ખરીદ્યું છે, તેમણે ગભરાઈને નુકસાનમાં વેચવું જોઈએ નહીં. રોજબરોજ ભાવ જોવા કરતા વધુ સારું છે કે, રોકાણને 2 થી 6 મહિનાનો સમય આપવામાં આવે. તેમની દ્રષ્ટિએ ડોલર ઇન્ડેક્સ, વૈશ્વિક તણાવ અને વાસ્તવિક માંગ જ આગામી દિશા નક્કી કરશે.