
દુનિયાભરમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે સોનું અને ચાંદી ફરીથી ચર્ચામાં છે. Emkay Wealth Management ના તાજા અહેવાલ મુજબ, આ કિંમતી ધાતુઓમાં ચાલી રહેલી તેજી કોઈ નાનો કે હંગામી ઉછાળો નથી. રિપોર્ટ જણાવે છે કે, આ ઘણા વર્ષો સુધી ચાલનારી મજબૂત તેજીની શરૂઆત હોઈ શકે છે.

Emkay Wealth ના હેડ ઓફ રિસર્ચ ડો. જોસેફ થોમસનું કહેવું છે કે, આ વખતે સોના અને ચાંદીમાં જોવા મળતી તેજી માત્ર ટ્રેડિંગ કે અફવાઓ પર આધારિત નથી. વિશ્વભરના મોટા રોકાણકારો હવે પોતાના પોર્ટફોલિયોમાં કાયમી ધોરણે સોના અને ચાંદીને સ્થાન આપી રહ્યા છે. અગાઉ આ ધાતુઓને માત્ર મુશ્કેલ સમયમાં સુરક્ષા માટે જ ખરીદવામાં આવતી હતી પરંતુ હવે તેને લાંબાગાળાના રોકાણ તરીકે જોવામાં આવી રહી છે.

અલગ અલગ દેશોની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે અને વ્યાજ દરોમાં ઘટાડાની આશા પણ વધી રહી છે. આ તમામ કારણો સોના અને ચાંદીને મજબૂત ટેકો આપી રહ્યા છે.

જો અમેરિકામાં વ્યાજ દરો ઘટે છે, તો સોનાને ફાયદો થાય છે. સાથે જ, જો ડોલર નબળો પડે છે તો પણ કિંમતી ધાતુઓના ભાવને મજબૂત ટેકો મળે છે. વર્ષ 2022 થી ઘણા દેશોની સેન્ટ્રલ બેંકોએ મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે. આનાથી કિંમતોને નીચે જતી અટકાવવામાં મદદ મળી છે અને રોકાણકારોનો ભરોસો વધ્યો છે.

ભારતમાં સોનાનું વળતર (Return) વધુ સારું રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો વધવાની સાથે રૂપિયો પણ નબળો પડ્યો છે. બીજું કે, જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે ભારતીય રોકાણકારોને વધુ લાભ મળે છે. જો કે, ભવિષ્યમાં રૂપિયો મજબૂત થશે, તો આ ફાયદો થોડો ઓછો થઈ શકે છે.

સોલર પેનલ, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) જેવા સેક્ટરમાં ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે. આનો અર્થ એ છે કે, ભવિષ્યની ટેકનોલોજીમાં ચાંદીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. આ જ કારણ છે કે, આ વખતે ચાંદીની તેજીને વધુ મજબૂત અને ટકાઉ માનવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, જો વૈશ્વિક અર્થતંત્રમાં સુસ્તી યથાવત રહે છે અને સેન્ટ્રલ બેંકો નરમ નીતિ અપનાવે છે, તો સોના-ચાંદીને આગળ પણ ટેકો મળતો રહેશે. નોંધનીય છે કે, જો અમેરિકી અર્થતંત્ર અપેક્ષા કરતા વધુ મજબૂત રહે અથવા ડોલર ખૂબ શક્તિશાળી બને, તો થોડા સમય માટે તેજી ધીમી પડી શકે છે.

Emkay Wealth સલાહ આપે છે કે, રોકાણકારો સંતુલન જાળવી રાખે. નવા રોકાણકારો તેમના કુલ પોર્ટફોલિયોના અંદાજે 5 થી 10 ટકા હિસ્સો સોના અને ચાંદીમાં રાખી શકે છે. રોકાણ એકસાથે કરવાને બદલે ધીમે-ધીમે કરવું વધુ સારું રહેશે.

વધુમાં, જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોના અને ચાંદીનો હિસ્સો 25 થી 30 ટકા થી વધુ છે, તેમણે ફાઇનાન્સિયલ એડવાઈઝર સાથે વાત કરીને પોતાની વ્યૂહરચનાની સમીક્ષા કરવી જોઈએ અને જરૂર જણાય તો થોડો નફો બુક (Profit Booking) કરવો જોઈએ.