
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે. જો કે, આની અસર હવે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક વ્લાદિમીર પુતિનના ખજાના પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, રશિયાની સેન્ટ્રલ બેંકે વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં આશરે 22,000 કિલોગ્રામ (21.8 ટન) સોનું બજારમાં વેચી (Russia central bank gold sales) દીધું છે, જેની કિંમત 33,440 કરોડ રૂપિયા થાય છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે રશિયાની બજેટ ખાધ માર્ચના અંત સુધીમાં 61.2 બિલિયન ડોલરના ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે.

કિટકો (Kitco) ના અહેવાલ મુજબ, રશિયા તેના વધતા ખર્ચને પહોંચી વળવા માટે સોનાના ભંડારનો ઉપયોગ કરી રહ્યું છે. 1 એપ્રિલ 2026 સુધીમાં રશિયા પાસે સોનાનો કુલ ભંડાર ઘટીને 2304.76 ટન (Russia gold reserves) રહી ગયો છે. માત્ર માર્ચ મહિનામાં જ તેમાં 6.22 ટનનો ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે, રશિયાને સંરક્ષણ બજેટ (યુદ્ધ ખર્ચ), ઊર્જાના ઊંચા ભાવ અને તેના ઘટતા ચલણ 'રૂબલ' ને ટેકો આપવા માટે મજબૂરીમાં આ સોનું વેચવું પડી રહ્યું છે.

એક તરફ સરકાર સોનું વેચી રહી છે, તો બીજી તરફ રશિયાના સામાન્ય નાગરિકો તેને ખરીદવા માટે તૂટી પડ્યા છે. મોસ્કો એક્સચેન્જના આંકડા મુજબ, માર્ચમાં સોનાના ટ્રેડિંગમાં ગયા વર્ષની સરખામણીએ 350% નો ઉછાળો આવ્યો છે. રશિયન જનતા પોતાની મૂડી બચાવવા માટે સોનાને સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન માની રહી છે. વર્ષ 2024માં રશિયાના લોકોએ વિક્રમી 75.6 ટન સોનું ખરીદ્યું હતું, જે દેશના કુલ ઉત્પાદનના લગભગ 25% હિસ્સો છે. એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, રશિયા તેની કિંમતી ધાતુઓની નિકાસ ઝડપથી ચીન તરફ વાળી રહ્યું છે. વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં ચીનમાં થતી નિકાસમાં 80% નો વધારો થયો છે.

રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો સોનું ઉત્પાદક દેશ છે પરંતુ યુક્રેન યુદ્ધ પછી તેની સેન્ટ્રલ બેંકે સોનું ખરીદવાનું ઓછું અને વેચવાનું વધુ શરૂ કર્યું છે. આનાથી વિપરીત, ચીનની બેંક સતત સોનું ખરીદીને પોતાનો ભંડાર ભરી રહી છે. રશિયન સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરીમાં માહિતી આપી હતી કે, તેણે જાન્યુઆરીમાં ત્યારે સોનું વેચ્યું હતું, જ્યારે તેની કિંમત 5,500 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગઈ હતી. આ વેચાણથી પુતિન સરકારને અંદાજે 1.41 બિલિયનથી 1.68 બિલિયન ડોલરની મોટી રકમ મળી હતી. જો કે, સોનું ઘટ્યું છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતો રેકોર્ડ સ્તરે હોવાને કારણે રશિયા પાસે બચેલા સોનાની કુલ કિંમત અંદાજે 402.7 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

રશિયાના આ પગલાની અસર વૈશ્વિક બજાર અને ભારત જેવા સોનાના શોખીન દેશ પર પણ પડી શકે છે. જો રશિયા જેવો મોટો ઉત્પાદક દેશ ખુલ્લા બજારમાં મોટા પ્રમાણમાં સોનું વેચે છે, તો તેનાથી કિંમતોમાં અસ્થિરતા આવી શકે છે. સાથે જ, રશિયા અને ચીન વચ્ચે વધતી જતી ગોલ્ડ ડીલિંગ વૈશ્વિક અર્થતંત્રમાં ડોલરના વર્ચસ્વને પડકારવાનો વધુ એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.