
નિષ્ણાતોના મતે, નબળો યુએસ ડોલર, ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં ઘટાડો થવાની સંભાવના અને ગ્લોબલ જિયો-પોલિટિકલ ટેન્શન સોનાના ભાવને ટેકો આપી રહ્યા છે. અનિશ્ચિત આર્થિક અને રાજકીય વાતાવરણમાં 'સોનું' રોકાણકારો માટે એક સુરક્ષિત વિકલ્પ બની રહ્યું છે.

જે.પી. મોર્ગનમાં બેઝ અને કિંમતી ધાતુઓની વ્યૂહરચનાના હેડ (Head) ગ્રેગરી શીયરના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં રોકાણકારો (ETF, ફ્યુચર્સ, બાર, કોઇન્સ) અને કેન્દ્રીય બેંકોની કુલ સોનાની માંગ આશરે 980 ટન જેટલી રહી હતી. આ અગાઉના ચાર ક્વાર્ટરની સરેરાશ કરતા લગભગ 50 ટકા વધારે છે.

આ જ સમયગાળા દરમિયાન, રોકાણકારોએ આશરે $109 બિલિયનનું રોકાણ કર્યું હતું, જે આશરે 950 ટન સોના જેટલું છે, જે સરેરાશ $3,458 પ્રતિ ઔંસના ભાવે હતું. આ આંકડો પાછલા ચાર ક્વાર્ટરની સરેરાશ કરતા પણ લગભગ 90 ટકા વધારે છે.

સામાન્ય લોકો માટે સોનું મોંઘુ થઈ રહ્યું છે, ત્યારે રોકાણકારો તેમાં લાંબાગાળાની મજબૂતી જોઈ રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા ચાલુ રહેશે, ત્યાં સુધી સોનાના ભાવ મજબૂત રહી શકે છે.