
નવા વર્ષમાં પણ સર્રાફા બજારમાં સોના-ચાંદીની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. સોનું અને ચાંદી બંને ધાતુ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.

વાસ્તવમાં, છેલ્લા 12 મહિનામાં ચાંદીએ લગભગ 200% નો વિક્રમી નફો આપ્યો છે. તે જ સમયે, સોનાએ પણ 80% નું શાનદાર વળતર આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે. જો કે, હવે સોના અને ચાંદી અંગે દિગ્ગજ બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલનો તાજો રિપોર્ટ આવ્યો છે, જેમાં ચાંદીની તેજી અટકી શકે તેવા સંકેત આપવામાં આવ્યા છે. બીજીબાજુ સોનામાં 'બુલ્સ રન' (તેજી) યથાવત રહેશે.

બજારની આ બદલાતી દિશાને સમજવા માટે રોકાણકારોએ પહેલા ગોલ્ડ સિલ્વર રેશિયો સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રેશિયો પરથી ખબર પડે છે કે, એક તોલું સોનું ખરીદવા માટે કેટલા કિલો ચાંદીની જરૂર પડશે. ઇતિહાસ પર નજર કરીએ તો, કોરોના મહામારી સમયે આ રેશિયો 127 ના શિખર પર હતો, જે વર્ષ 2026 ની શરૂઆતમાં ઘટીને 70 અને હવે 50 ની આસપાસ આવી ગયો છે.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના એનાલિસ્ટ નવનીત દમાણીના જણાવ્યા અનુસાર, ઐતિહાસિક રીતે સોના-ચાંદીનો ગુણોત્તર (Gold-Silver Ratio) લગભગ 70 જેટલો રહે છે. એવામાં તે અત્યારે તેના નીચલા સ્તરની નજીક છે. આનાથી સ્પષ્ટપણે સમજાય છે કે, ચાંદીએ સોનાની સરખામણીમાં જેટલો વધારો કરવાનો હતો, તે કરી ચૂકી છે. હવે આ રેશિયો ફરીથી 65-70 સુધી જઈ શકે છે. ટૂંકમાં આ સોના માટે શાનદાર પ્રદર્શનનો સંકેત છે.

વર્તમાન સમયમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદી તેમના રેકોર્ડ સ્તર પર ટ્રેડ કરી રહ્યા છે. શુક્રવાર, 23 જાન્યુઆરીના રોજ ફેબ્રુઆરીની કોન્ટ્રાક્ટ એક્સપાયરી વાળું સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,59,000 ના નવા શિખર પર પહોંચી ગયું, જ્યારે માર્ચની કોન્ટ્રાક્ટ એક્સપાયરી વાળી ચાંદી પ્રતિ કિલો ₹3,39,927 ની કિંમત પર પહોંચી ગઈ.

આ તેજી પછી હવે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ અથવા કરેક્શનની આશંકા વધી ગઈ છે. તાજેતરના દિવસોમાં ચાંદીના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવે રોકાણકારોનું ટેન્શન વધારી દીધું છે. બીજી તરફ, સોનામાં વધુ સ્થિરતા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં રોકાણકારોને પોર્ટફોલિયોમાં સોનાનું મૂલ્ય વધારવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી જોખમ ઘટાડી શકાય.