
દુનિયાભરમાં સોનાના ભાવ વર્ષ 2024 અને વર્ષ 2025 માં ઝડપથી વધ્યા. આનું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધ અને અમેરિકા-ઇરાન રહ્યા. આ યુદ્ધથી શેરબજારમાં અનિશ્ચિતતા બનેલી રહી અને રોકાણકારોએ સેફ હેવન માટે સોનામાં રોકાણ વધાર્યું. આ સિવાય દુનિયાભરમાં અનિશ્ચિતતાના કારણે વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ રેકોર્ડ ખરીદી કરી. આ કારણોસર બે વર્ષમાં સોનાની કિંમતમાં 30% થી 32% નો વધારો થયો હતો. જો કે, હવે એવો તબક્કો પાછો ફરવાની આશા નથી.

વર્ષ 2026 માં ઇરાન અને અમેરિકા યુદ્ધ છતાં સોનાના ભાવ ઘટ્યા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL) ની 'H1 2026 પ્રેશિયસ મેટલ્સ રિપોર્ટ' અનુસાર, આગામી દિવસોમાં સોનાના ભાવ અને જીઓ-પોલિટિકલ સંઘર્ષો વચ્ચેનો પરંપરાગત સંબંધ બદલાઈ રહ્યો છે. ભવિષ્યમાં સોનાની કિંમત મોંઘવારી, વ્યાજદર અને સેન્ટ્રલ બેંકોની નાણાકીય નીતિ દ્વારા નક્કી થશે. સરળ રીતે સમજીએ તો, જો મોંઘવારી વધશે અને સેન્ટ્રલ બેંક પોતાની પોલિસીમાં ફેરફાર કરશે તો જ સોનાના ભાવમાં તેજી જોવા મળશે. જો કે, એકતરફી તેજી પાછી આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે.

ચાલુ વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં એ સ્પષ્ટ થઈ ગયું કે, માત્ર જીઓ-પોલિટિકલ જોખમ સોનામાં તેજી જાળવી રાખવા માટે પૂરતા નથી. રોકાણકારો હવે સંઘર્ષોનું મૂલ્યાંકન એ આધારે વધુ કરી રહ્યા છે કે, તેની મોંઘવારી અને વ્યાજદરો પર શું અસર પડે છે? MOFSL માં કોમોડિટી રિસર્ચ હેડ નવનીત દમાણીએ જણાવ્યું હતું કે, "વર્ષ 2026 ના પ્રથમ છમાસિક ગાળાએ દર્શાવ્યું કે, યુદ્ધ અને સોના વચ્ચેનો સંબંધ હવે પહેલાની સરખામણીએ વધુ પરિસ્થિતિઓ પર નિર્ભર થઈ ગયો છે."

દમાણીએ વધુમાં ઉમેર્યું કે, બજાર હવે માત્ર જીઓ-પોલિટિકલ ઘટનાક્રમો પર ધ્યાન નથી આપી રહ્યું પરંતુ એ જોઈ રહ્યું છે કે, તેની ફુગાવા (મોંઘવારી), વાસ્તવિક વ્યાજદરો અને નાણાકીય નીતિની અપેક્ષાઓ પર શું અસર પડે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ઊંચી બોન્ડ યીલ્ડ સોના માટે સૌથી મોટો અવરોધ બનીને ઉભરી છે. આનાથી સુરક્ષિત રોકાણ તરીકે સોનાની પરંપરાગત માંગ પર પણ અસર પડી, જ્યારે જીઓ-પોલિટિકલ તણાવ ઊંચા સ્તરે જળવાઈ રહ્યો હતો.

રિપોર્ટ અનુસાર, વર્ષની શરૂઆતમાં નીતિગત અનિશ્ચિતતા, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) માં રોકાણ, સેન્ટ્રલ બેંકોની ખરીદી અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપની અપેક્ષાઓથી સોનાના ભાવને મજબૂતી મળી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે, બાદમાં ટેરિફ (શુલ્ક) વધવાથી ઉત્પાદન ખર્ચ અને ફુગાવાની અપેક્ષાઓ વધી. આનાથી લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર જળવાઈ રહેવાની આશંકા મજબૂત થઈ અને યુએસ ટ્રેઝરી સિક્યોરિટીઝની વાસ્તવિક ઉપજ તથા ડૉલરમાં તેજી આવી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા-ઇરાન સંઘર્ષ પણ આ બદલાતા વલણનું ઉદાહરણ છે. સંઘર્ષ વધવા પર શરૂઆતના તબક્કામાં સોનાની માંગ વધી પરંતુ ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ફુગાવાની ચિંતા વધી અને નાણાકીય નીતિમાં છૂટછાટની અપેક્ષા નબળી પડી. આનાથી સોનાની તેજી મર્યાદિત રહી અને બાદમાં ભાવમાં સુધારો (ઘટાડો) આવ્યો.

રિપોર્ટમાં કહેવાયું છે કે, "ટેરિફ હવે માત્ર આર્થિક વૃદ્ધિ માટે જોખમ નથી રહ્યા પરંતુ તે ફુગાવો વધારનારું બળ બની ગયા છે." રિપોર્ટ અનુસાર, આગળ પણ ફુગાવાનું વલણ, ફેડરલ રિઝર્વના સંકેતો, વૈશ્વિક લિક્વિડિટી (રોકડ) ની ઉપલબ્ધતા, સેન્ટ્રલ બેંકોની ખરીદી, ETF માં રોકાણ અને સટ્ટાકીય રોકાણ સોના-ચાંદીના ભાવના મુખ્ય ચાલક બળ બની રહેશે.