
સોમવાર, 15 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં બજારનો ટ્રેન્ડ અલગ જોવા મળ્યો હતો. દિલ્હીના બુલિયન બજારમાં, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 500 રૂપિયા ઘટીને 1,13,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું.

જણાવી દઈએ કે, આ ઘટાડો સતત ચાર દિવસના વધારા પછી આવ્યો છે. શુક્રવારે સોનું 700 રૂપિયા વધીને 1,13,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. આવી જ રીતે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ 500 રૂપિયા ઘટીને 1,12,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું.

આનાથી વિપરીત, ચાંદીએ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો. સોમવારે ચાંદી 300 રૂપિયા વધીને 1,32,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદી લગભગ 42,600 રૂપિયા એટલે કે લગભગ 47.5 ટકા વધી છે. ડિસેમ્બર 2024માં તેનો ભાવ 89,700 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીમાં હલચલ જોવા મળી હતી. સ્પોટ ગોલ્ડ ઔંસ દીઠ 3,645.12 ડોલર અને ચાંદી ઔંસ દીઠ 42.20 ડોલરના લેવલે ટ્રેડ થઈ રહી હતી.

વેપારીઓ હવે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર નજર રાખી રહ્યા છે, જેનો નિર્ણય 17 સપ્ટેમ્બરે આવશે. રોકાણકારો અનુમાન લગાવી રહ્યા છે કે, નબળા યુએસ લેબર માર્કેટને કારણે ફેડ પોલિસીમાં ઢીલ આપવામાં આવી શકે છે.