
હિંદુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે અને વ્યક્તિના મૃત્યુ પછી તેનું પઠન કરવામાં આવે છે. ગરુડ પુરાણમાં મનુષ્યના કર્મોનો હિસાબ-કિતાબ જણાવવામાં આવ્યો છે, જેના આધારે મનુષ્યના પાપ અને પુણ્ય નક્કી થાય છે.

આટલું જ નહીં આ પુરાણમાં એ પણ માહિતી આપવામાં આવી છે કે, મૃત્યુ પછી મનુષ્ય આગલા જન્મમાં સ્ત્રી બનશે કે પુરુષ? શું મનુષ્ય યોનિમાંથી બહાર નીકળીને તેને કોઈ કીડા-મકોડાનું જીવન મળશે?

ગરુડ પુરાણમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ, જો કોઈ 'પુરુષ' સ્ત્રીની જેમ વર્તન કરે છે, તો તે પુરુષનો આત્મા આગલા જન્મમાં સ્ત્રીનું રૂપ લે છે. આ સિવાય જે વ્યક્તિ પોતાના કોઈ 'મિત્ર' સાથે દગો કરે છે કે તેને છેતરે છે, તે આગલા જન્મમાં પર્વત પર રહેનાર ગીધ બને છે.

જો કોઈ વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતી અને ધર્મનો વિરોધ કરે છે, તો તે વ્યક્તિ આગલા જન્મમાં કૂતરો કે ગધેડો બને છે. વધુમાં, જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીની હત્યા કરે છે, તો તે આગલા જન્મમાં રક્તપિત્ત (કોઢ) રોગ સાથે જન્મે છે.

ધ્યાન દોરવા જેવું એ છે કે, જે વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિની પત્ની સાથે સંબંધ રાખે છે, તે નરકમાં જાય છે અને તેને વરુ, કૂતરો, ગીધ, શિયાળ, સાપ કે કાગડાની યોનિ પ્રાપ્ત થાય છે. લગ્ન પછી અન્ય પુરુષ સાથે સંબંધ રાખનારી સ્ત્રીઓ આગલા જન્મમાં ચામાચીડિયાની યોનિમાં જન્મે છે. ગરુડ પુરાણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, યોગ્ય પાત્રને શિક્ષણ ન આપનાર બ્રાહ્મણ આગલા જન્મમાં બળદ બને છે.

ઘરમાં કલેશ (ઝઘડો) કરનારી સ્ત્રીઓ આગલા જન્મમાં જળચર જળો (જોંક) બનીને જન્મે છે. બીજું કે, પોતાના માતા-પિતા કે ભાઈ-બહેનને હેરાન કરનારા મનુષ્યને આગલો જન્મ તો મળે છે પરંતુ તેઓ પૃથ્વી પર નથી આવી શકતા, કારણ કે તેમનું મૃત્યુ ગર્ભમાં જ થઈ જાય છે. 'સ્ત્રી' પર હાથ ઉપાડનાર વ્યક્તિને આગલા જન્મમાં અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે.
Published On - 1:34 pm, Sun, 5 July 26