
દૂધ, ઘી અને મસાલા બાદ હવે ગોળમાં પણ મોટા પાયે ભેળસેળ થતી હોવાના કિસ્સા સામે આવ્યા છે. શિયાળો હોય કે ઉનાળો, ગોળ દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ છે. લોકો હેલ્થ કોન્શિયસ બનીને ખાંડ છોડી ગોળ તરફ વળ્યા છે, પરંતુ આ જ ગોળ જો નકલી હોય તો ફાયદાને બદલે શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. વેપારીઓ ગોળને આકર્ષક બનાવવા માટે તેમાં હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરતા હોય છે.

ચમકદાર દેખાવ પાછળનું સત્ય: બજારમાં જ્યારે પણ તમે ગોળ ખરીદવા જાઓ ત્યારે તેનો રંગ સૌથી પહેલા તપાસો. જો ગોળ ખૂબ જ પીળો, સોનેરી કે સફેદ દેખાતો હોય તો સાવધાન થઈ જજો. નિષ્ણાતોના મતે, અસલી ગોળનો રંગ હંમેશા ઘેરો કથ્થઈ (Dark Brown) અથવા કાળો હોય છે. વધુ પડતી ચમક એ વાતનો પુરાવો છે કે તેમાં સલ્ફર અથવા સોડા જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવ્યા છે.

શુદ્ધતા તપાસવા માટેના સરળ રસ્તા: પાણીનો ટેસ્ટ: એક ગ્લાસ પાણીમાં ગોળનો નાનો ટુકડો નાખો. જો ગોળ પૂરેપૂરો ઓગળી જાય અને નીચે કોઈ સફેદ પાઉડર કે રેતી જેવી ગંદકી ન દેખાય, તો તે શુદ્ધ છે. નકલી ગોળમાં ઘણીવાર નીચે કચરો જમા થતો જોવા મળે છે.

સ્વાદની પરખ: અસલી ગોળનો સ્વાદ કુદરતી ગળ્યો હોય છે અને તેમાં શેરડીની સુગંધ આવે છે. જો ગોળ ચાખતી વખતે થોડો ખારો અથવા કડવો લાગે, તો સમજી લેવું કે તેમાં કેમિકલની ભેળસેળ છે.

ક્રિસ્ટલ અથવા દાણા: વજન વધારવા માટે ગોળમાં ઘણીવાર ખાંડ ભેળવવામાં આવે છે. આવા ગોળને તોડતી વખતે તેમાં ખાંડના નાના ચમકદાર દાણા દેખાય છે. અસલી ગોળની બનાવટ એકસમાન હોય છે.

મજબૂતી: અસલી ગોળ થોડો સખત હોય છે અને સહેલાઈથી તૂટતો નથી. જ્યારે ભેળસેળવાળો ગોળ ઘણીવાર પોચો હોય છે અને હાથ લગાવતા જ ભૂકો થવા લાગે છે.

પરિવારના સ્વાસ્થ્ય માટે સાવચેતી જરૂરી: હંમેશા ભરોસાપાત્ર દુકાનદાર પાસેથી જ ગોળ ખરીદવો જોઈએ. ખુલ્લો અને વધુ પડતો સુંદર દેખાતો ગોળ લેવાને બદલે ઓર્ગેનિક કે દેશી ગોળ પસંદ કરવો હિતાવહ છે. માત્ર સ્વાદ કે સુંદરતા જોઈને ગોળ ખરીદવો તમારા પરિવારને બીમારીના મુખમાં ધકેલી શકે છે. આવતી વખતે જ્યારે પણ બજારમાં જાઓ, ત્યારે આ સરળ ટિપ્સ ચોક્કસ યાદ રાખજો.