
રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં તણાવ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો, જેના કારણે વિશ્વભરમાં ઇંધણના ભાવમાં વધારો થયો હતો અને સપ્લાય ચેન પર પણ અસર પડી હતી.

આજે લગભગ બધા જ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉંચા છે, જેના કારણે સામાન્ય લોકોનું બજેટ અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આ સાથે જ રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે.

ભારતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ પ્રતિ લિટર ₹94.7 થી ₹95 (પેટ્રોલના ભાવ શહેર પ્રમાણે બદલાતા રહે) આસપાસ છે, જ્યારે પાકિસ્તાન જેવા પડોશી દેશોમાં તેનાથી પણ વધુ ભાવ જોવા મળે છે. એવામાં મીડિયા રિપોર્ટસ અનુસાર, દુનિયામાં એક એવો દેશ છે, જ્યાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ જ ઓછા ભાવે મળે છે.

આ દેશ દક્ષિણ અમેરિકામાં આવેલ 'વેનેઝુએલા' છે, જ્યાં પેટ્રોલની કિંમત આશરે $0.035 પ્રતિ લિટર છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹3 થાય છે. ભારતમાં, 1 લિટર પાણીની બોટલની કિંમત ₹20 છે. આવી સ્થિતિમાં, ધારો કે તમારી બાઇકની ટાંકી 20 લિટરની છે, તો તમે 60 રૂપિયામાં આખી ટાંકી ફુલ કરાવી શકો છો.

વેનેઝુએલામાં ઓઇલ સસ્તું થવાનું સૌથી મોટું કારણ ત્યાં હાજર ક્રૂડ ઓઇલનો વિશાળ ભંડાર છે, જે વિશ્વના કુલ ક્રૂડ ઓઇલ ભંડારના લગભગ 18 ટકા જેટલો છે.

પેટ્રોલ સસ્તું હોવા છતાં વેનેઝુએલામાં ખાદ્યપદાર્થો અને જરૂરી ચીજવસ્તુઓ ખૂબ મોંઘી છે, જેના કારણે મોંઘવારી વધી છે અને લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે.