
ભારતમાં અત્યારે ઠેર-ઠેર EV ચાર્જિંગ સ્ટેશનો નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર 'પીએમ ઈ-ડ્રાઈવ' સ્કીમ હેઠળ 72,000 થી વધુ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની તૈયારીમાં છે. પરંતુ એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે આ ચાર્જર્સમાં વપરાતા ચાઈનીઝ પાર્ટ્સ ડેટા બ્રીચ અને સાયબર એટેકનું કારણ બની શકે છે.

શા માટે આ મુદ્દો ચિંતાજનક છે?: વિશ્વભરમાં ઈવી ચાર્જર સપ્લાય કરવામાં ચીનનું વર્ચસ્વ છે. દુનિયાના અંદાજે 80 ટકા ઈવી ચાર્જર ચીનમાં બને છે. ચાર્જરના મુખ્ય ભાગો જેવા કે કનેક્ટર્સ અને પાવર મોડ્યુલનો 50 થી 80 ટકા હિસ્સો ચીનથી આવે છે. ભારતીય કંપનીઓ પણ પાર્ટ્સ માટે ચીન પર નિર્ભર છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ મોટું જોખમ સાબિત થઈ શકે છે.

કેવી રીતે થાય છે ડેટાની ચોરી?: કાર એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, અસલી ખતરો ત્યારે ઉભો થાય છે જ્યારે તમે તમારી કારને ચાર્જર સાથે કનેક્ટ કરો છો. ચાર્જિંગ દરમિયાન આ ઉપકરણો તમારી ગાડીના ECU (ઇલેક્ટ્રિકલ કંટ્રોલ યુનિટ) ના સોફ્ટવેરમાં ફેરફાર કરી શકે છે. ECU ગાડીના પાવરટ્રેન, બેટરી મેનેજમેન્ટ અને ડાયગ્નોસ્ટિક્સ જેવા મહત્વના ફંક્શનને કંટ્રોલ કરે છે. જો ECU હેક થઈ જાય, તો ગાડી અસામાન્ય રીતે વર્તવા લાગે છે, ડેટા ચોરી થઈ શકે છે અથવા ગાડીને રિમોટલી કંટ્રોલ પણ કરી શકાય છે.

ગ્લોબલ ચેતવણી અને ભારતની સ્થિતિ: થોડા સમય પહેલા જગુઆર લેન્ડ રોવર પર થયેલા સાયબર હુમલાને કારણે બ્રિટનમાં તેના ત્રણ પ્લાન્ટ એક મહિના સુધી બંધ રાખવા પડ્યા હતા. આ ઘટનાએ આખી ઓટો ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ હવે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતા પાર્ટ્સની ચકાસણી વધારવાની માંગ ઉઠી રહી છે.

સાવચેતી જ શ્રેષ્ઠ ઉપાય: ઈલેક્ટ્રિક ક્રાંતિની સાથે સાયબર સુરક્ષા અત્યંત અનિવાર્ય બની ગઈ છે. જો યોગ્ય સાવચેતી રાખવામાં નહીં આવે, તો તમારું ઈવી ચાર્જર માત્ર ગાડીને જ નહીં પરંતુ તમારી ખાનગી માહિતીને પણ જોખમમાં મૂકી શકે છે.