
જો તમારું કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે PF ખાતું છે, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. EPFO એ પોતાના Unified Member Portal ને અપગ્રેડ કર્યા પછી ઘણા નિયમોમાં ફેરફાર કર્યો છે. સૌથી મોટો ફેરફાર એ છે કે, હવે UAN એક્ટિવેશન અને નવું UAN બનાવવાની સુવિધા EPFO પોર્ટલ પર નહીં મળે. આના માટે હવે UMANG એપનો ઉપયોગ કરવો પડશે. સાથે જ આધાર બેઝ્ડ Face Authentication ને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. EPFO નું કહેવું છે કે, આ ફેરફારનો હેતુ સર્વિસને પહેલાં કરતાં વધુ સુરક્ષિત, ઝડપી અને ભરોસાપાત્ર બનાવવાનો છે.

EPFO એ પોતાના Unified Member Portal પરથી UAN એક્ટિવેશનની સુવિધા હટાવી દીધી છે. પહેલાં મેમ્બર્સ પોર્ટલ પર જઈને પોતાનો Universal Account Number એક્ટિવેટ કરી શકતા હતા પરંતુ હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આ જ રીતે નવું UAN બનાવવાનો વિકલ્પ પણ વેબસાઈટ પરથી હટાવી દેવાયો છે. હવે આ બંને સર્વિસ માટે માત્ર UMANG એપનો જ ઉપયોગ કરવો પડશે. આનાથી UAN સંબંધિત તમામ પ્રક્રિયાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

હવે UAN એક્ટિવેશન માટે સૌથી પહેલાં મોબાઈલમાં UMANG એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ EPFO Services માં જઈને UAN Services Through Face Auth વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અહીં UAN Activation પર ક્લિક કર્યા પછી આધાર બેઝ્ડ Face Authentication પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ સ્ક્રીન પર આપેલા નિર્દેશોનું પાલન કરીને UAN એક્ટિવેશનની પ્રક્રિયા પૂરી કરી શકાશે. Face Authentication વગર હવે UAN એક્ટિવેશન શક્ય બનશે નહીં.

જો કોઈ કર્મચારીને નવું UAN જોઈતું હોય તો, હવે તેણે પણ UMANG એપનો જ ઉપયોગ કરવો પડશે. આના માટે એપમાં EPFO Services ખોલીને UAN Allotment and Activation વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ આધાર બેઝ્ડ Face Authentication પૂરું કરવાનું રહેશે. તમામ જરૂરી વિગતો વેરિફાય થયા પછી નવું UAN જારી કરી દેવામાં આવશે. EPFO એ આ સુવિધા પણ પોતાની વેબસાઈટ પરથી સંપૂર્ણપણે હટાવી દીધી છે.

અપગ્રેડ કરાયેલા EPFO પોર્ટલ પર હવે UAN પાછું મેળવવાની પ્રક્રિયા પહેલાં કરતાં સરળ કરી દેવામાં આવી છે. આના માટે મેમ્બરે પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ ઓળખપત્ર અથવા સરનામાનો પુરાવો અપલોડ કરવાનો રહેશે. મોબાઈલ પર આવેલા OTP ને દાખલ કર્યા પછી વેરિફિકેશન પૂરું થઈ જશે. ત્યારબાદ મેમ્બર્સ પોતાનું UAN ફરીથી મેળવી શકે છે.

UAN સંબંધિત સર્વિસ ભલે UMANG એપ પર જતી રહી હોય પરંતુ ડેથ ક્લેમ (મૃત્યુ દાવા) દાખલ કરવાની સુવિધા હજુ પણ EPFO ના Unified Member Portal પર ઉપલબ્ધ રહેશે. આના માટે આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગત, મેમ્બરનું મૃત્યુ પ્રમાણપત્ર અને રદ કરેલો ચેક અથવા બેંક પાસબુકની નકલ અપલોડ કરવી પડશે. તમામ ડોક્યુમેન્ટ PDF ફોર્મેટમાં હોવા જોઈએ અને દરેક ફાઈલની સાઈઝ 2 MB કરતાં ઓછી હોવી જોઈએ.

EPFO ના જણાવ્યા અનુસાર, આ ફેરફારો પોર્ટલને વધુ સુરક્ષિત, ઝડપી અને ભરોસાપાત્ર બનાવવા માટે કરવામાં આવ્યા છે. આના માટે ડેટાબેઝને અપડેટ કરવામાં આવ્યો છે અને સોફ્ટવેરમાં સુધારો કરવામાં આવ્યો છે. સંગઠને એ પણ જણાવ્યું છે કે, શરૂઆતના બે અઠવાડિયા સુધી ક્લેમ અને અન્ય ઓનલાઈન રિક્વેસ્ટના નિકાલમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. તેથી મેમ્બર્સને વારંવાર અરજી કરવા અથવા એક જ કામ માટે ઘણી વખત લોગઈન કરવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.