
વરસાદના દિવસોમાં બહાર જઈને નિયમિત કસરત કરવી ઘણીવાર શક્ય બનતી નથી. તેના કારણે શરીરમાં આળસ અને સુસ્તી અનુભવાય છે. પરંતુ આ ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી અને ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. જો વરસાદને કારણે તમારી રોજની કસરત અટકી ગઈ હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક એવી સરળ કસરતો છે, જે તમે ઘરે જ સરળતાથી કરીને તમારી ફિટનેસ જાળવી શકો છો.

સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવા માટે હંમેશા જીમના ભારે સાધનોની જરૂર પડતી નથી. તમે તમારા પોતાના શરીરના વજનની મદદથી પણ અસરકારક કસરત કરી શકો છો. આવી કસરતો શરીરને મજબૂત બનાવવાની સાથે ફિટનેસ જાળવવામાં પણ મદદરૂપ બને છે.

પ્લેન્ક શરીરના મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવતી અસરકારક કસરત છે. આ કસરત શરીરની સ્થિરતા વધારવામાં, સંતુલન સુધારવામાં અને વધારાની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે. પ્લેન્ક કરવા માટે પેટના બળે સીધા સૂઈ જાઓ, પછી કોણી અને પગના અંગૂઠાના ટેકાથી આખા શરીરને જમીનથી ઉપર ઉઠાવો. માથાથી લઈને એડી સુધી શરીરને એક સીધી લાઇનમાં રાખીને થોડા સમય સુધી આ સ્થિતિ જાળવી રાખો.

સ્ક્વોટ્સ પગ, જાંઘ, હિપ્સ અને ગ્લુટ્સના સ્નાયુઓને મજબૂત બનાવવામાં ખૂબ જ ઉપયોગી કસરત છે. આ કસરત કરવા માટે સીધા ઊભા રહો અને બંને પગને ખભાની પહોળાઈ જેટલા અંતરે રાખો. ત્યારબાદ ધીમે-ધીમે ઘૂંટણ વાળતા હિપ્સને પાછળ લઈ જાઓ, જાણે તમે ખુરશી પર બેસી રહ્યા હોવ. થોડા ક્ષણો આ સ્થિતિમાં રહી ફરી ધીમે-ધીમે ઊભા થઈ જાઓ.

પુશ-અપ્સ છાતી, ખભા, બાયસેપ્સ અને ટ્રાઇસેપ્સના સ્નાયુઓને મજબૂત બનાવતી અસરકારક કસરત છે. આ કસરત કરવા માટે હાથને ખભાની પહોળાઈ જેટલા અંતરે જમીન પર રાખો અને શરીરને માથાથી પગ સુધી સીધી સ્થિતિમાં રાખો. ત્યારબાદ ધીમે-ધીમે કોણી વાળીને શરીરને નીચે લાવો, છાતી જમીનની નજીક આવે ત્યાં સુધી જાઓ અને પછી હાથના ટેકાથી ફરી ઉપર ઉઠો.

હૃદયને સ્વસ્થ રાખવા અને શરીરની વધારાની કેલરી ઝડપથી ઘટાડવા માટે કાર્ડિયો અને એરોબિક્સ જેવી કસરતો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિત રીતે આ કસરતો કરવાથી સ્ટેમિના વધે છે, શરીર વધુ સક્રિય રહે છે અને એકંદર ફિટનેસમાં પણ સુધારો થાય છે.

જમ્પિંગ જેક્સ આખા શરીરને સક્રિય બનાવતી અને ઝડપથી ઊર્જાનો અનુભવ કરાવતી સરળ કસરત છે. આ કસરત કરવા માટે પહેલા સીધા ઊભા રહો અને બંને પગને સાથે રાખો. ત્યારબાદ કૂદકો મારતા પગને ખભાની પહોળાઈ જેટલા ફેલાવો અને સાથે જ હાથને માથા ઉપર લઈ જાઓ. પછી ફરી કૂદકો મારી શરૂઆતની સ્થિતિમાં પાછા આવો અને આ પ્રક્રિયાને થોડા સમય સુધી દોહરાવો.

વરસાદના કારણે બહાર દોડવું શક્ય ન હોય તો હાઈ નીઝ કસરત એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ કસરતમાં એક જ જગ્યાએ ઊભા રહીને ઝડપી ગતિએ એક પછી એક ઘૂંટણને છાતી અથવા કમર સુધી ઊંચા લાવવાના હોય છે. નિયમિત રીતે આ કસરત કરવાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે, કેલરી બર્ન થાય છે અને શરીર વધુ સક્રિય રહે છે.

દોરડા કૂદવાની કસરત બાળપણની મજેદાર રમત હોવા છતાં ફિટ રહેવા માટે ખૂબ જ અસરકારક છે. આ કસરત ઓછી જગ્યામાં પણ સરળતાથી કરી શકાય છે. દોરડાની યોગ્ય લંબાઈ પસંદ કર્યા પછી, તમારા શરીરની ક્ષમતા મુજબ ધીમે-ધીમે કૂદકો મારવાની શરૂઆત કરો અને સમય સાથે ગતિ તથા સમય વધારતા જાઓ. આ કસરત શરીરને સક્રિય રાખવામાં અને કેલરી બર્ન કરવામાં મદદરૂપ બને છે. ( Disclaimer: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )