
તાજેતરમાં E20 પેટ્રોલને લઈને દેશભરમાં વ્યાપક ચર્ચા અને વિરોધ જોવા મળ્યો હતો. E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલનું મિશ્રણ હોય છે. આ પેટ્રોલના કારણે જૂના વાહનોનું માઇલેજ ઘટવાની અને એન્જિનના પાર્ટ્સ ખરાબ થવાની ફરિયાદો સામે આવી હતી. ત્યારબાદ E10 પેટ્રોલ (10% ઇથેનોલ મિશ્રણ) ફરીથી શરૂ કરવાની માંગ તેજ બની હતી. હવે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ સ્પષ્ટતા કરી છે કે E20 પેટ્રોલને બદલે E10 લાવવા અંગે હાલ કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. જોકે, જૂના વાહનો માટે ઓછા ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલનો વિકલ્પ આપવા અંગે ચર્ચા ચાલી રહી છે.

E10 પેટ્રોલ સપ્લાય કરવામાં કોઈ સમસ્યા નથી: BPCL ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય ખન્નાએ કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) બાદ જણાવ્યું હતું કે, જો સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગ પોલિસીમાં ફેરફાર કરશે તો E20 થી E10 પેટ્રોલ તરફ પાછા ફરવામાં ઓઇલ કંપનીઓને કોઈ મોટી ઓપરેશનલ કે સપ્લાય સંબંધિત મુશ્કેલી પડશે નહીં.

તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, "મેં ક્યારેય એવું નથી કહ્યું કે E20 ને E10 થી બદલી દેવામાં આવશે. પરંતુ ચોક્કસ વર્ગમાં એવી ચર્ચા જરૂર ચાલી રહી છે કે જૂના વાહન માલિકોને ઓછા ઇથેનોલવાળા પેટ્રોલનો વિકલ્પ મળવો જોઈએ. તેનો અર્થ એવો નથી કે E20 સંપૂર્ણપણે બંધ થઈ જશે."

હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો: સંજય ખન્નાએ ઉમેર્યું કે નીતિમાં ફેરફાર અંગે હજુ કોઈ આખરી નિર્ણય થયો નથી. જોકે, E20 ને સંપૂર્ણપણે બદલી નાખવું અને E20 ની સાથે E10 ને વધારાના વિકલ્પ તરીકે રાખવું — આ બંને બાબતો વચ્ચે મોટો તફાવત છે. દેશભરના વિશાળ ફ્યુઅલ નેટવર્ક પર એકસાથે બે અલગ-અલગ ગ્રેડના પેટ્રોલની સમાંતર સપ્લાય ચેઇન જાળવવી એ મોટો લોજિસ્ટિક પડકાર બની શકે છે.

E10 પેટ્રોલની કેમ વધી રહી છે માંગ?: ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવા, પ્રદૂષણ રોકવા અને સ્થાનિક ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વધાર્યું છે. તબક્કાવાર રીતે રજૂ કરાયેલું E20 પેટ્રોલ હવે મોટાભાગના પંપો પર વેચાઈ રહ્યું છે. જોકે કેટલાક ગ્રાહકો અને ઓટો નિષ્ણાતોનો દાવો છે કે E20 થી જૂના વાહનોના રબરના પાર્ટ્સ, એન્જિન ક્ષમતા અને માઇલેજ પર નકારાત્મક અસર પડે છે. સરકાર આ દાવાઓને નકારતી રહી છે, છતાં જૂના વાહનો માટે અલગ વિકલ્પ આપવાની માંગ સતત વધી રહી છે.