13 જાન્યુઆરીના રોજ અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરમાં 'એકતા, વિવિધતા અને સંવાદિતા' ની થીમ અંતર્ગત વિશિષ્ટ ઉજવણીમાં વિશ્વભરના 20 થી વધુ દૂતાવાસોના ડિફેન્સ એટેચીઓ, પરિવારો અને મહાનુભાવો સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં ભારત, બેલ્જિયમ, કેનેડા, કોમોરોસ ટાપુ, ઝેક રિપબ્લિક, ડેનમાર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ, કોરિયા, મોઝામ્બિક, ટાંઝાનિયા, સર્બિયા, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે દેશોના સંરક્ષણ એટેચીઓ સાથે વિભિન્ન રાષ્ટ્રીયતાઓ અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતાં અનેક લોકોએ હાજરી આપી હતી, જે આંતર-સાંસ્કૃતિક સંવાદ અને સમજણને પ્રોત્સાહન આપવા માટે મંદિરની ભૂમિકા અને પ્રભાવને દર્શાવે છે. બી.એ.પી.એસ. ટ્રસ્ટી બોર્ડના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા આમંત્રિત પ્રતિનિધિઓનું પારંપરિક રીતે પુષ્પહાર તથા પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.