
પ્રવાસન મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે 26 જુલાઈ ભારતીયો માટે કારગિલ વિજય દિવસ તરીકે ખૂબ જ મહત્વનો છે અને આજ દિવસે આ ફેસ્ટિવલનો આરંભ થવો તે ગૌરવની વાત છે. તેમણે કારગિલ વિજયદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સાપુતારાને ફરી એકવાર રાજ્યના મુખ્ય પ્રવાસન કેન્દ્ર તરીકે ઉજાગર કરવા માટે આયોજકોની પ્રશંસા કરી.

મહોત્સવના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી કુંવરજી હળપતીએ જણાવ્યું કે સાપુતારા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી અહીંના આદિવાસી સમુદાય માટે વિવિધ વિકાસ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પ્રવાસીઓને યોગ્ય માહોલ અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે સતત પ્રયત્નો થઇ રહ્યા છે.

મહોત્સવ દરમિયાન 13 રાજ્યોના 110થી વધુ કલાકારોએ રંગારંગ પ્રસ્તુતિ આપી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કલા સમૂહોની કોરિયોગ્રાફી અને સ્થાનિક કલાકારોના પરંપરાગત ડાંગી નૃત્યે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમો દ્વારા ગુજરાતની ધરોહર અને વિવિધતાને જીવંત અનુભવી શકાય છે.

સાપુતારાના પ્રસિદ્ધ સ્થળો જેમ કે લેક ગાર્ડન, ગવર્નર હિલ અને સનસેટ પોઇન્ટ જેવા સ્થળોએ ખાસ જળ, પર્વત અને પ્રાકૃતિક સાહસિક પ્રવૃત્તિઓ માટે વ્યવસ્થા કરાઈ છે. નેચર ટ્રેઈલ, હેન્ડીક્રાફ્ટ બજાર અને સેલ્ફી પોઇન્ટ પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યા છે. સમગ્ર વાતાવરણમાં સંગીત, નૃત્ય અને કુદરતી સૌંદર્યનો સમન્વય જોવા મળે છે.

મહોત્સવ દરમિયાન રાજ્યના પ્રવાસન વિભાગ, સ્થાનિક તંત્ર અને સાપુતારા એરિયા ટુરિઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મુલાકાતીઓને સુરક્ષા અને સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

"અતિથિ દેવો ભવ"ના સંદેશ સાથે સ્થાનિક હેન્ડીક્રાફ્ટ અને કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો આગ્રહ પણ કરવામાં આવ્યો છે, જે લોકલ માટે વોકલના ઉદ્દેશને આગળ વધારશે.