
ટીમ ઈન્ડિયાનો ઓપનર અભિષેક શર્મા વિશ્વનો નંબર 1 T20 બેટ્સમેન બની ગયો છે. લેટેસ્ટ ICC રેન્કિંગમાં, અભિષેક શર્માએ ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો છે. ટ્રેવિસ હેડ લાંબા સમયથી નંબર 1 રેન્કિંગ પર હતો. અભિષેક શર્માના રેટિંગ પોઈન્ટ 829 છે અને ટ્રેવિસ હેડ 814 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયો છે.

અભિષેક શર્મા નંબર 1 T20 બેટ્સમેન બન્યો છે જ્યારે ભારતનો તિલક વર્મા ત્રીજા નંબર પર છે. સૂર્યકુમાર યાદવ છઠ્ઠા સ્થાને છે. જ્યારે યશસ્વી જયસ્વાલ ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. તે 11મા સ્થાને સરકી ગયો છે.

અભિષેક શર્માએ અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 16 ઈનિંગ્સમાં 33.43ની સરેરાશથી 535 રન બનાવ્યા છે. તે T20માં 193.84ના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે T20માં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. અભિષેકે 41 છગ્ગા અને 46 ચોગ્ગા ફટકાર્યા છે.

અભિષેક શર્માએ 6 જુલાઈ 2024ના રોજ ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું. તે પહેલી મેચમાં ખાતું ખોલી શક્યો ન હતો પરંતુ બીજી મેચમાં તેણે સદી ફટકારી હતી. અભિષેકે તે મેચમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. આ સદી પછી, તે સતત 7 મેચમાં નિષ્ફળ ગયો અને પછી તેણે દક્ષિણ આફ્રિકા સામે અડધી સદી ફટકારી.

આ પછી તેણે ફેબ્રુઆરી 2025માં ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં સદી ફટકારી. વાનખેડે ખાતે રમાયેલી તે મેચમાં, અભિષેકે 54 બોલમાં 135 રન બનાવ્યા જેમાં 13 છગ્ગાનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટક બેટિંગના આધારે, અભિષેકે આજે T20 રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. (All Photo Credit : PTI / GETTY)