
ટીમ ઈન્ડિયાનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઈંગ્લેન્ડના ઘરેલુ વન-ડે કપમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમી રહ્યો છે. તે સતત વિરોધી બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે અને અત્યાર સુધી રમેલી દરેક મેચમાં વિકેટ ઝડપી છે.

સમરસેટ સામેની મેચમાં ચહલે 10 ઓવરમાં માત્ર 35 રન આપીને ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. તેની શાનદાર બોલિંગના કારણે નોર્થમ્પ્ટનશાયરે સમરસેટને 185 રનમાં ઓલઆઉટ કર્યું અને સાત વિકેટે મેચ જીતી લીધી.

ચહલે અત્યાર સુધી સાત મેચમાં 21ની સરેરાશથી 15 વિકેટ ઝડપી છે. તેણે વોરવિકશાયર અને કેન્ટ સામે બે-બે, લેસ્ટરશાયર સામે એક, લેન્કેશાયર સામે ચાર અને નોટિંગહામશાયર સામે બે વિકેટ ઝડપી હતી.

ચહલે ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ લગભગ ત્રણ વર્ષ પહેલાં રમી હતી. ત્યારથી તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. જોકે, ઈંગ્લેન્ડમાં તેના સતત સારા પ્રદર્શનથી પસંદગીકારોનું ધ્યાન ચોક્કસ ખેંચાયું છે.

ચહલનું હાલનું ફોર્મ જોતા ભારતીય ક્રિકેટ ચાહકો પણ તેની વાપસીની આશા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તેના શાનદાર પ્રદર્શનને જોઈ શું પસંદગીકારો તેને આગામી આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં તક આપશે કે નહીં. (PC:PTI/X)