
ટીમ ઈન્ડિયાએ ગાલે ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. ભારતની આ જીતમાં 24 વર્ષીય ડાબોડી સ્પિનર માનવ સુથાર સૌથી મોટા હીરોમાંનો એક રહ્યો. તેણે પોતાની શાનદાર બોલિંગથી શ્રીલંકાના બેટ્સમેનોને સતત મુશ્કેલીમાં મૂક્યા.

મેચની બીજી ઇનિંગમાં સુથારે માત્ર 55 રન આપીને છ વિકેટ ઝડપી. ખાસ કરીને ઇનિંગની છેલ્લી ચાર વિકેટ તેણે માત્ર 10 બોલમાં ઝડપી હતી. આ પહેલાં પહેલી ઇનિંગમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી હતી. આમ, સુથારે સમગ્ર મેચમાં કુલ 10 વિકેટ પોતાના નામે કરી.

સુથારની આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ કે તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની માત્ર બીજી મેચમાં જ એક ટેસ્ટમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. ભારતના ઘણા દિગ્ગજ બોલરો પણ પોતાની લાંબી ટેસ્ટ કારકિર્દીમાં આ સિદ્ધિ મેળવી શક્યા નથી.

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ઉપરાંત બ્રેટ લી, જોશ હેઝલવુડ, જેસન ગિલેસ્પી, ગેરી સોબર્સ અને જોએલ ગાર્નર જેવા દિગ્ગજ બોલરો પણ એક ટેસ્ટમાં 10 વિકેટ લેવાની સિદ્ધિથી વંચિત રહ્યા છે. સુથારે માત્ર બે ટેસ્ટમાં જ આ ખાસ સિદ્ધિ મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

સુથાર માટે આ ટેસ્ટ કારકિર્દીની બીજી મોટી સફળતા છે. અફઘાનિસ્તાન સામેની ડેબ્યૂ ટેસ્ટમાં તેણે એક ઇનિંગમાં છ વિકેટ સહિત કુલ સાત વિકેટ ઝડપી હતી. હવે બે ટેસ્ટની ચાર ઇનિંગમાં તેના નામે 17 વિકેટ થઈ ગઈ છે અને તેની બોલિંગ સરેરાશ માત્ર 11.35ની છે. (PC:X/BCCI)
Published On - 5:02 pm, Wed, 19 August 26