
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI શ્રેણી 9 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ તરફથી એક એવો પ્રતિભાશાળી ખેલાડી રમશે, જેનો જન્મ તમિલનાડુના વેલ્લોરમાં થયો હતો. ચાર વર્ષની ઉંમરે આદિત્ય અશોક પોતાના પરિવાર સાથે ન્યુઝીલેન્ડ સ્થળાંતર કર્યો હતો અને ત્યાં જ તેણે ક્રિકેટ કારકિર્દી ઘડવી.

આદિત્ય અશોક એક લેગ સ્પિનર છે અને તેને ન્યુઝીલેન્ડ ક્રિકેટનો ભવિષ્યનો સ્ટાર માનવામાં આવે છે. પોતાની મહેનત, પરિવારના સહકાર અને નજીકના લોકોના સમર્થનથી આદિત્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચ્યો છે. મેદાન પર તેની શાંતિપૂર્ણ બોલિંગ અને નિયંત્રિત લાઇન-લેન્થ તેની ખાસ ઓળખ છે.

આદિત્ય અશોકની વ્યક્તિગત જિંદગીની વાત કરીએ તો, તેની ગર્લફ્રેન્ડ એલી ટૂગુડ પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. એલી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને આદિત્યને ટેકો આપવા માટે સ્ટેડિયમમાં હાજર રહેતી જોવા મળે છે. આદિત્યની ડેબ્યૂ મેચ દરમિયાન પણ એલી મેદાન પર જોવા મળી હતી.

એલી ટૂગુડના વ્યવસાય અંગે જાહેર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એટલું જાણીતું છે કે તે ઇંગ્લેન્ડની રહેવાસી છે અને હાલમાં આદિત્ય અશોક સાથે ન્યુઝીલેન્ડમાં રહે છે. એલીને ઘોડેસવારીનો વિશેષ શોખ છે અને તે આ રમત સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

આદિત્ય અશોકની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધી બે ODI અને એક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે કુલ બે વિકેટ ઝડપી છે. સ્થાનિક ક્રિકેટમાં તેનો રેકોર્ડ વધુ મજબૂત છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેણે 78 વિકેટ, લિસ્ટ Aમાં 52 વિકેટ અને T20 ફોર્મેટમાં 31 વિકેટ લીધી છે. આ આંકડાઓ તેની પ્રતિભા અને સતત મહેનતને સ્પષ્ટ રીતે દર્શાવે છે.