
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. જ્યાં ક્રિકેટ ચાહકો કેનને તેની શાનદાર કારકિર્દી માટે અભિનંદન આપી રહ્યા છે, ત્યાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તેના જૂના હરીફ અને નજીકના મિત્ર માટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "વર્ષોથી હરીફ બનવાથી સાચા મિત્ર બનવા સુધી... વર્ષોથી તમને બેટિંગ કરતા જોવું અને તમારી સામે રમવું એ હંમેશા એક શાનદાર અનુભવ રહ્યો છે. પરંતુ તેનાથી પણ વધુ, હું આપણી મિત્રતા અને રમતની બહારની બાબતો પર આપણે જે વિચારો શેર કરીએ છીએ તેની વધુ કદર કરું છું. આપણે જ્યારે પણ મળીએ કે વાત કરીએ છે, તેને હું હંમેશા યાદ રાખું છું."

વિરાટ કોહલીએ આગળ લખ્યું, "ભાઈ, હું હંમેશા તમને શુભકામનાઓ પાઠવું છું. તમે તમારા ભાગનું કામ કર્યું છે, હવે તમે બધું માણવા અને આરામ કરવાને પાત્ર છો. શાબાશ મિત્ર, જીવન હમણાં જ શરૂ થયું છે."

આનાથી ક્રિકેટ વર્તુળોમાં ફરી એક રસપ્રદ ચર્ચા શરૂ થઈ છે. નિવૃત્તિના નિર્ણય સાથે કેન વિલિયમસને એ જ કહાનીનું પુનરાવર્તન કર્યું છે જે થોડા સમય પહેલા વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીમાં અફસોસ બનીને રહી ગઈ હતી.

ક્રિકેટની દુનિયામાં દરેક બેટ્સમેન માટે 10,000 ટેસ્ટ રન બનાવવા એ એક સુવર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે. કેન વિલિયમસન અને વિરાટ કોહલી બંને આ ઐતિહાસિક રેકોર્ડ હાંસલ કરવાની નજીક હતા, પરંતુ બંને આ જાદુઈ સીમાચિહ્ન સુધી પહોંચ્યા વિના નિવૃત્ત થઈ ગયા.

કેન વિલિયમસને 9,515 રન સાથે પોતાની ટેસ્ટ કારકિર્દીનો અંત કર્યો. વિરાટ કોહલીએ પણ 9,230 રન સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. (PC: PTI/Getty/X/viratkohli)