
છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયામાં તકની રાહ જોઈ રહેલા સાઈ કિશોરે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે હેટ્રિક સહિત 10 વિકેટ લઈને તમિલનાડુને ભવ્ય જીત અપાવી.

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઉત્તરાખંડે પ્રથમ ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. જવાબમાં તમિલનાડુએ 313 રન કરીને 179 રનની લીડ મેળવી હતી.

બીજી ઇનિંગમાં સાઈ કિશોરે ઉત્તરાખંડના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. તેણે 16 ઓવરમાં 34 રન આપીને છ વિકેટ ઝડપી હતી.

સાઈએ 43મી ઓવરમાં સતત ત્રણ બોલ પર ત્રણ વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી હતી. તેણે લક્ષ્ય રાયચંદાની, સૌરભ રાવત અને આદિત્ય રાવતને આઉટ કર્યા હતા.

સાઈએ પ્રથમ ઇનિંગમાં પણ ચાર વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે સમગ્ર મેચમાં 10 વિકેટ લઈને તમિલનાડુની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

તમિલનાડુએ ઉત્તરાખંડની બીજી ઇનિંગ 113 રનમાં સમેટી દીધી હતી. પરિણામે યજમાન ટીમે એક ઇનિંગ અને 66 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો.

સાઈ કિશોરે ભારત માટે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 2023ની એશિયન ગેમ્સમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારથી તેને ભારતીય ટીમમાં તક મળી નથી.

સાઈ કિશોર તમિલનાડુ માટે રણજી ટ્રોફીમાં હેટ્રિક લેનાર આઠમો બોલર બન્યો છે. તેની પહેલા બીએસ કલ્યાણસુંદરમ, ભરત અરુણ, સુનીલ સુબ્રમણ્યમ, દામોદરન દેવાનંદ, આર રામકુમાર, એમ મોહમ્મદ અને ગુર્જપનીત સિંહ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. (PC-PTI/X)
Published On - 7:52 pm, Tue, 20 October 26