
વડોદરાના BCA સ્ટેડિયમમાં ભારતે પ્રથમ ઝિમ્બાબ્વેને 131 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને 17 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

વૈષ્ણવી શર્માએ ઘાતક બોલિંગ કરતાં પાંચ વિકેટ ઝડપી હતી. તેની ફ્લાઇટ અને ટર્ન સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનો ટકી શક્યા નહોતા. આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

20 વર્ષ અને 314 દિવસની ઉંમરે પાંચ વિકેટ ઝડપીને વૈષ્ણવીએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. અગાઉની વનડેમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મળી હતી.

ભારતે આ શ્રેણી પહેલાં ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણી પણ 3-0થી જીતી હતી. હવે વનડેમાં પણ સમાન પરિણામ મેળવતાં ટીમ ઈન્ડિયાએ સતત બે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

ભારતની આ સફળતામાં પ્રતિકા રાવલનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું હતું. તેણે શ્રેણી દરમિયાન સતત સારું પ્રદર્શન કર્યું હોવાથી તેને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મેચમાં ભારતે શરૂઆતમાં યાસ્તિકા ભાટિયાની વિકેટ ગુમાવી હતી, પરંતુ પ્રતિકા રાવલ અને હરલીન દેઓલે 52 બોલમાં 59 રનની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી હતી. હરલીન 19 રન બનાવીને આઉટ થઈ હતી.

ત્યારબાદ શેફાલી વર્માએ માત્ર 26 બોલમાં અણનમ 51 રન ફટકાર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થયો હતો. પ્રતિકાએ પણ 56 બોલમાં 59 રન બનાવ્યા હતા.

શેફાલી અને પ્રતિકાની આક્રમક બેટિંગથી ભારતે માત્ર 17 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે ભારતે ODI શ્રેણી 3-0થી પોતાના નામે કરી અને T20 બાદ ODI શ્રેણીમાં પણ ઝિમ્બાબ્વેનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. (PC:X/BCCI)