
ભારત આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પહેલી મેચમાં ભારતીય મૂળના ખેલાડી જય મૂન્દ્રાએ આયર્લેન્ડની જર્સીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરીને પોતાના ક્રિકેટિંગ સફરના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. રાજસ્થાનથી શરૂ થયેલી તેની સફર હવે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે. ખાસ વાત એ છે કે તેણે પોતાની પહેલી જ આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે રમી હતી.

જય મૂન્દ્રાનો જન્મ રાજસ્થાનના ટોંકમાં થયો હતો. બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે લગાવ હોવાથી તેણે સ્થાનિક ક્રિકેટ એકેડેમીમાં તાલીમ લીધી અને ઓલરાઉન્ડર તરીકે પોતાની ઓળખ બનાવી. શરૂઆતમાં તે ઝડપી બોલર હતો, પરંતુ બાદમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાને વધુ મજબૂત બનાવતા એક ઉપયોગી ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યો.

કોલેજ પૂર્ણ કર્યા બાદ નોકરી કરવાની તક હોવા છતાં જયે ક્રિકેટને પ્રાથમિકતા આપી. તેણે પોતાની કારકિર્દીને એક છેલ્લી તક આપવાનો નિર્ણય લીધો. આ નિર્ણય તેના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો અને તેણે ક્રિકેટમાં જ ભવિષ્ય બનાવવાનું નક્કી કર્યું.

2021 માં M Techના અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર આયર્લેન્ડ ગયો. ત્યાં તેણે ડબલિનની લેઈન્સ્ટર ક્રિકેટ ક્લબ સાથે જોડાઈ સ્થાનિક ક્રિકેટમાં સતત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. ક્લબ ક્રિકેટમાં તેની શાનદાર રમતના કારણે તે ઝડપથી પસંદગીકારોની નજરમાં આવ્યો.

2025માં આઈરિશ નાગરિકતા મળ્યા બાદ જય મૂન્દ્રાએ પોતાની રમતથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા. ડાબોડી ઝડપી બોલિંગ અને ઉપયોગી બેટિંગના કારણે તેને આયર્લેન્ડની નેશનલ ટીમમાં સ્થાન મળ્યું. હવે ભારત સામે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરીને તેણે પોતાની મહેનતનું ફળ મેળવ્યું અને યુવા ક્રિકેટરો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. (PC:PTI/X)