
આજકાલ લોકોની જીવનશૈલી ખૂબ જ અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે અને ખાવા-પીવાનો પણ કોઈ સમય નિશ્ચિત હોતો નથી, જેના કારણે તણાવ વધી જાય છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એવો ઉપાય શોધે છે કે, જેનાથી કોઈપણ આડઅસર (Side effects) વગર તે ઝડપથી સ્વસ્થ થઈ શકે.

એવામાં નાળિયેર પાણીમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. આની સાથે જ તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પણ મળી આવે છે. જો તમારા શરીરમાં પાણીની ઊણપ રહેતી હોય, તો તમે ઉનાળાની ઋતુમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે નાળિયેર પાણી પી શકો છો.

નાળિયેર પાણીના સેવનથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે અને પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. વધુમાં જે લોકોને એસિડિટી, ગેસ અને કબજિયાતની સમસ્યા હોય છે, તેમના માટે તો નાળિયેર પાણી એક કુદરતી ઔષધિ તરીકે કામ કરે છે. આમાં અનેક એન્ઝાઇમ્સ મળી આવે છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે અને પાચનતંત્રને મજબૂતી આપે છે.

આ સિવાય જે લોકોને હૃદય સંબંધિત રોગનું જોખમ રહેતું હોય, તેમણે નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ. આવું કરવાથી હૃદય રોગમાં રાહત મળે છે અને હાર્ટ એટેકની શક્યતા પણ ઓછી થઈ જાય છે. આની અંદર પોટેશિયમ નામનું ખનિજ તત્વ મળી આવે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.

નાળિયેર પાણીના સેવનથી તમારા વાળ અને ત્વચા બંને સ્વસ્થ રહે છે. તેને પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો (Toxins) બહાર નીકળી જાય છે અને સ્કિન સાફ થઈ જાય છે. ટૂંકમાં જે લોકોને ખીલ કે ફોલીઓની સમસ્યા રહેતી હોય, તેમને આનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે.

જો તમે નાળિયેર પાણી પીવાનો સાચો સમય જાણવા માંગતા હોવ, તો તમારે સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ. આનાથી તમારું મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) સારું રહે છે. બીજું કે, જે લોકો નિયમિત વ્યાયામ કરે છે અથવા જેમને વધુ પરસેવો આવે છે અને તાત્કાલિક ઉર્જાની જરૂર હોય છે, તેમના માટે આ પીણું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

જો તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નથી, તો તમે એક દિવસમાં એકથી બે ગ્લાસ એટલે કે 400 મિલી સુધી નાળિયેર પાણી પી શકો છો. આનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય, તો નાળિયેર પાણી પીતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.