
અત્રે ઉલ્લેખનીય છે કે, સાત દિવસ સુધી ચાલનારા બુકફેરમાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોના 140થી વધુ બુક સ્ટોલ્સ પર ઇતિહાસ, સંસ્કૃત, કલા સ્થાપત્ય, બાળ સાહિત્ય, ધર્મ-અધ્યાત્મ, વિજ્ઞાન, ફિલોસોફી સહિત અનેકવિધ વિષયો પરનાં લાખો પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે. વાંચકો પોતે વાંચેલાં પુસ્તકોને પુસ્તક પરબ પર દાન કરી શકશે તથા અન્ય વાંચકોએ આપેલાં પુસ્તકો વાંચવા માટે મેળવી શકશે.

વધુમાં, બુકફેરની સાથોસાથ યોજાનાર દૈનિક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સાહિત્ય સપ્તાહ, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, જ્ઞાનગંગા વર્કશોપ, કવિ સંમેલન, મુશાયરા, ટોક શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સાહિત્ય સપ્તાહ અંતર્ગત કલા અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો, યુવા કવિઓ-સર્જકોનાં વક્તવ્યો, રસપ્રદ સાહિત્યિક ચર્ચાઓ, કાવ્યપઠન સહિત સંગીતના કાર્યક્રમો યોજાશે. જ્ઞાનગંગા વર્કશોપમાં યુવાઓ માટે લેખન કૌશલ્ય વિકસાવવાના ઉદ્દેશ સાથે દરરોજ અલગ-અલગ વિષય પર બપોરે 12થી 3 દરમિયાન વર્કશોપ યોજાશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાના કૌશલ્યનું નિદર્શન કરતા ખાસ પ્રદર્શનનો એક સ્ટોલ પણ બુકફેરમાં બનાવવામાં આવ્યો છે.
Published On - 5:05 pm, Sat, 6 January 24