
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાને દિલ્હીમાં પ્રોપર્ટી ખરીદી છે. પંચશીલ પાર્ક વિસ્તારમાં શાહરૂખનું એક ખૂબ જ જૂનું ઘર છે, જેમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરના માલિક તે પહેલેથી જ હતા, હવે તે જ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળને પણ શાહરૂખે ખરીદી લીધા છે. આ ડીલ માટે કિંગ ખાનને 37 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા છે. પરંતુ આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ શાહરૂખ હવે પોતાના જૂના ફેમિલી હોમના સંપૂર્ણ માલિક બની ગયા છે. પરિવારનું જૂનું ઘર હોવાને કારણે શાહરૂખને આ ઘર સાથે ખાસ લગાવ પણ છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે શાહરૂખે જ્યારે દિલ્હી છોડ્યું, તે પહેલા સુધી તે આ જ ઘરમાં રહેતા હતા. બોલિવૂડ હંગામાએ અહેવાલમાં જણાવ્યું છે કે આ પ્રોપર્ટી 1200 વાર એટલે કે અંદાજે 10,800 સ્ક્વેર ફીટની છે. આ પ્રોપર્ટી સાઉથ દિલ્હીના પ્રીમિયમ વિસ્તારમાં આવેલી છે. બે ફ્લોર માટે આ ડીલ અંદાજે 37 કરોડ રૂપિયામાં થઈ છે, એટલે કે જમીનની કિંમત અંદાજે 34,260 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ આંકવામાં આવી છે.

કિંગ ખાન પાસે દેશ-દુનિયામાં છે અનેક પ્રોપર્ટી: દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સેલિબ્રિટીઝ દ્વારા ખરીદવામાં આવેલી પ્રોપર્ટીમાં આ ડીલ ખૂબ મોટી માનવામાં આવી રહી છે. શાહરૂખ છેલ્લા કેટલાક સમયથી પ્રોપર્ટીમાં ઘણું રોકાણ કરી રહ્યા છે. આ દિવસોમાં શાહરૂખ ખાનનું મુંબઈનું ઘર એટલે કે 'મન્નત'માં રિનોવેશનની પ્રક્રિયા ચાલી રહી.

મન્નતમાં શાહરૂખ ખાન બીજા કેટલાક ફ્લોર બનાવી રહ્યા છે. આ સિવાય મુંબઈ નજીક અલીબાગમાં પણ શાહરૂખ ખાનનું એક ફાર્મ હાઉસ છે. શાહરૂખની પ્રોપર્ટીઝની વાત કરીએ તો દુબઈથી લઈને લંડન સુધી, દેશમાં જ નહીં પણ દુનિયાના અનેક શહેરોમાં તેમના ઘર છે.

ફિલ્મ 'કિંગ'ની રિલીઝની જોવાઈ રહી છે રાહ: શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ "કિંગ" માં બિઝી છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી 'કિંગ'માં શાહરૂખ ખાનની સાથે તેમની દીકરી સુહાના ખાન પણ ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન નેગેટિવ રોલમાં જોવા મળશે અને દીપિકા પાદુકોણે પણ આમાં કામ કર્યું છે. તાજેતરમાં જ 'કિંગ'ના બજેટને લઈને પણ મીડિયા રિપોર્ટ્સ ચર્ચામાં હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે કિંગનું બજેટ 450 કરોડ રૂપિયા છે. આ અહેવાલ આવ્યા બાદ સિદ્ધાર્થ આનંદે પોતાના અંદાજમાં એક્સ (પહેલા ટ્વિટર) પર લખ્યું, "જૂઠ." તેમના આ ટ્વિટને બજેટવાળા અહેવાલ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.