
ચીનના સંશોધકોએ દાવો કર્યો છે કે તેમણે અંતરિક્ષમાં જ એક સેટેલાઇટમાંથી બીજા સેટેલાઇટમાં સફળતાપૂર્વક ઇંધણ પહોંચાડ્યું છે. આ તકનીકથી ભવિષ્યમાં સ્પેસ પેટ્રોલિંગનું નવું ચિત્ર ઊભું થઈ શકે છે, પરંતુ શું આ દાવો ખરેખર સાચો છે કે માત્ર એક રમત?

ચીને જાન્યુઆરી 2025માં 'શિજિયાન-25' નામના રહસ્યમય સેટેલાઇટને લોન્ચ કર્યો હતો. સત્તાવાર રીતે તેને સ્પેસ સર્વિસિંગ અને લાઇફ એક્સ્ટેન્શન ટેકનોલોજી ટેસ્ટ કરવા માટે મોકલાયો હોવાનું કહેવાયું હતું, પરંતુ તેની વાસ્તવિક ગતિવિધિઓ પર દુનિયાભરની નજર ટકેલી છે.

ચીની રિસર્ચ અનુસાર, શિજિયાન-25 સેટેલાઇટ હાઇ-ઓર્બિટમાં રહેલા 'બેઇદો-2 જી7' (Beidou-2 G7) સેટેલાઇટની નજીક પહોંચ્યો અને તેમાં અંદાજે 142 કિલો ઇંધણ ટ્રાન્સફર કર્યું. આ ઓપરેશન અત્યંત મુશ્કેલ અને જોખમી ગણાય છે.

દાવા મુજબ, આટલું ઇંધણ મળવાથી વયસ્ક થઈ ચૂકેલા 'બેઇદો' સેટેલાઇટનું આયુષ્ય સીધું 8 વર્ષ વધી ગયું છે. સામાન્ય રીતે ઇંધણ પૂરું થતાં જ કરોડો ડોલરના સેટેલાઇટ બેકાર થઈ જાય છે, પરંતુ ચીનનો આ દાવો સાચો હોય તો આખી રમત બદલાઈ શકે છે.

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સસ્પેન્સ એ છે કે આ દાવાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આંતરરાષ્ટ્રીય સ્પેસ ટ્રેકિંગ ડેટા અને નિષ્ણાતોએ ફેબ્રુઆરી 2025માં બંને સેટેલાઇટ વચ્ચે થયેલી કથિત ગતિવિધિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

અંતરિક્ષમાં બે સેટેલાઇટ્સને અત્યંત નજીક લાવવા અને તેમને જોડવા તે અત્યંત જટિલ તકનીક છે. જો ચીને આ કામ આટલી ગુપ્તતાથી કરી લીધું હોય તો પશ્ચિમી દેશો અને સ્પેસ એજન્સીઓ માટે આ એક મોટી ચિંતાનો વિષય બની શકે છે.

'બેઇદો' એ ચીનનું પોતાનું સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે, જે અમેરિકાના GPS ને ટક્કર આપે છે. તેનો ઉપયોગ માત્ર સામાન્ય નેવિગેશન માટે જ નહીં પણ ચીનની સૈન્ય અને સરકારી ગુપ્ત કામગીરીઓ માટે થાય છે, જેથી તેને જીવંત રાખવું ચીન માટે પ્રાથમિકતા છે.

અંતરિક્ષમાં નવો સેટેલાઇટ લોન્ચ કરવો ખૂબ જ ખર્ચાળ અને સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. જો જૂના સેટેલાઇટને સ્પેસમાં જ રીફ્યુઅલ કરી શકાય, તો કરોડો ડોલર બચી શકે છે અને ચીન સ્પેસ સ્માર્ટ પાવર બની શકે છે.

જો કોઈ સેટેલાઇટ બીજા સેટેલાઇટની નજીક જઈને ઇંધણ ભરી શકતો હોય, તો ભવિષ્યમાં તે દુશ્મન દેશોના સેટેલાઇટને નુકસાન પહોંચાડવા કે તેની ઓર્બિટ બદલવા માટે પણ સક્ષમ બની શકે છે! આ બાબતથી સ્પેસ વોરફેયરનો મોટો ખતરો ઊભો થયો છે.

જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્પેસ એજન્સીઓ કે સ્વતંત્ર ઓબ્ઝર્વર્સ આ રીફ્યુઅલિંગની પુષ્ટિ કરતા નથી, ત્યાં સુધી ચીનના આ દાવા પર શંકાના વાદળો ઘેરાયેલા જ રહેશે. શું ચીન ખરેખર સ્પેસ સુપરપાવર બની ગયું છે કે આ માત્ર એક કાગળ પરનો દાવો છે?