
કેનેડાએ તેના વર્ક પરમિટ અને અન્ય ઇમિગ્રેશન વિઝા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયેલા નવા અપડેટ્સ મુજબ વિવિધ દેશોના અરજદારો માટે વિઝા પ્રોસેસિંગ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ બદલાવથી કેટલાક દેશોના અરજદારોને રાહત મળશે, જ્યારે કેટલાક માટે રાહ વધુ લાંબી બની શકે છે.

નવા નિયમો અનુસાર પાકિસ્તાનના નાગરિકો માટે કેનેડિયન વર્ક પરમિટ વિઝાની પ્રોસેસિંગ સમયમર્યાદા 8 અઠવાડિયાથી ઘટાડીને 6 અઠવાડિયા કરવામાં આવી છે. બીજી તરફ, નાઇજીરીયાના અરજદારો માટે આ સમય 6 અઠવાડિયાથી વધારીને 12 અઠવાડિયા કરવામાં આવ્યો છે, જેના કારણે તેમને વધુ રાહ જોવી પડશે.

ભારતીય અરજદારો માટે વર્ક પરમિટ વિઝાની પ્રોસેસિંગ સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીયો માટે આ સમય હજુ પણ 9 અઠવાડિયા જ રહેશે. જ્યારે અમેરિકા અને ફિલિપાઇન્સના અરજદારો માટે આ સમય અનુક્રમે 5 અને 8 અઠવાડિયા નક્કી કરવામાં આવ્યો છે. કેનેડામાં રહેતા અરજદારો માટે પણ પ્રોસેસિંગ સમય 212 દિવસથી ઘટાડી 206 દિવસ કરવામાં આવ્યો છે.

કેનેડાએ સ્ટડી પરમિટ માટેની પ્રોસેસિંગ સમયમર્યાદામાં પણ ફેરફાર કર્યા છે. પાકિસ્તાન માટે સ્ટડી પરમિટની પ્રક્રિયા હવે 11 અઠવાડિયાની જગ્યાએ માત્ર 7 અઠવાડિયામાં પૂર્ણ થશે. ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટનો સમય 4 અઠવાડિયા રહેશે. જ્યારે કેનેડા, અમેરિકા અને ફિલિપાઇન્સના અરજદારો માટે આ સમય અનુક્રમે 6, 5 અને 5 અઠવાડિયા છે. નાઇજીરીયાના અરજદારો માટે સમય 5 અઠવાડિયાથી વધારીને 6 અઠવાડિયા કરવામાં આવ્યો છે.

કેનેડાએ વિઝિટર વિઝાની પ્રોસેસિંગ સમયમર્યાદામાં થોડો વધારો કર્યો છે. ભારતીય અરજદારો માટે સમય 27 દિવસથી વધારીને 28 દિવસ કરવામાં આવ્યો છે. અમેરિકન અરજદારો માટે આ સમય 22 દિવસથી વધીને 25 દિવસ થયો છે, જ્યારે ફિલિપાઇન્સ માટે 18 દિવસથી વધારીને 20 દિવસ કરવામાં આવ્યો છે. કેનેડિયન રહેવાસીઓ માટે પ્રોસેસિંગ સમય 11 દિવસથી વધીને 16 દિવસ થયો છે. પાકિસ્તાન માટે વિઝિટર વિઝાનો સમય 50 દિવસ રહેશે, જ્યારે નાઇજીરીયામાં આ સમય 47 દિવસથી વધીને 48 દિવસ થયો છે.

સુપર વિઝા માટેની પ્રોસેસિંગ સમયમર્યાદામાં ઘટાડો થતાં ભારત અને પાકિસ્તાનના અરજદારોને સૌથી વધુ ફાયદો થયો છે. ભારત માટે સુપર વિઝાનો સમય 160 દિવસથી ઘટાડીને 117 દિવસ કરવામાં આવ્યો છે, એટલે કે 43 દિવસનો સીધો ઘટાડો થયો છે. પાકિસ્તાનમાં પણ આ સમય 107 દિવસથી ઘટાડીને 75 દિવસ કરવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકા માટે સુપર વિઝાની પ્રોસેસિંગ સમયમર્યાદા 103 દિવસથી વધારીને 115 દિવસ કરવામાં આવી છે. નાઇજીરીયામાં આ સમય 35 દિવસથી વધીને 37 દિવસ થયો છે, જ્યારે ફિલિપાઇન્સ માટે તે 32 દિવસ પર યથાવત રાખવામાં આવ્યો છે.

કેનેડાના આ નવા નિયમો ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરી શોધી રહેલા વ્યાવસાયિકો અને પરિવારજનોને મળવા ઇચ્છતા લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. વિવિધ દેશો માટે અલગ-અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવતા અરજદારોને હવે પોતાના વિઝા પ્લાનિંગમાં વધુ સચોટતા રાખવી પડશે.