
કેનેડામાં કામ અથવા અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેનેડાની ઇમિગ્રેશન એજન્સી ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) દ્વારા પરમિટ પ્રોસેસિંગ સમય અંગે નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. આ અપડેટ મુજબ, હવે ભારતીયોને વર્ક પરમિટ અને સ્ટડી પરમિટ પહેલા કરતા ઝડપી મળવાની શક્યતા છે.

કેનેડામાં રોજગાર અથવા અભ્યાસ માટે જવા માંગતા લોકોને વર્ક પરમિટ અથવા સ્ટડી પરમિટ લેવું ફરજિયાત હોય છે. આ પરમિટ મેળવવાનો સમય દરેક દેશ માટે અલગ હોઈ શકે છે. પરંતુ તાજેતરના અપડેટ અનુસાર ભારતીય અરજદારો માટે પ્રક્રિયા થોડું ઝડપી બની છે, જે વિદ્યાર્થીઓ અને નોકરી માટે જવા ઇચ્છતા લોકો માટે રાહતરૂપ સમાચાર છે.

જો કોઈ ભારતીય નાગરિક પાસે કેનેડામાં નોકરીની ઓફર હોય અને તે વર્ક પરમિટ માટે અરજી કરે, તો હવે તેને પહેલા કરતા ઓછો સમય રાહ જોવો પડશે. અગાઉ ભારતીય અરજદારોને વર્ક પરમિટ મેળવવા માટે લગભગ 8 અઠવાડિયા રાહ જોવી પડતી હતી. હવે IRCCના નવા અપડેટ મુજબ આ સમય ઘટાડીને 7 અઠવાડિયા કરવામાં આવ્યો છે. એટલે કે, પ્રોસેસિંગ સમય એક અઠવાડિયા જેટલો ઓછો થયો છે.

બીજી તરફ, કેટલાક અન્ય દેશો માટે રાહ જોવાનો સમય વધ્યો છે. ઉદાહરણ તરીકે, નાઇજીરીયા અને ફિલિપાઇન્સના અરજદારો માટે પ્રોસેસિંગ સમય વધ્યો છે, જ્યારે પાકિસ્તાની નાગરિકો માટે વર્ક પરમિટ મેળવવાનો સમય લગભગ 30 અઠવાડિયા સુધીનો છે.

અભ્યાસ માટે કેનેડા જવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ સકારાત્મક માહિતી છે. IRCCના અપડેટ અનુસાર ભારતીય વિદ્યાર્થીઓ સામાન્ય રીતે 4 અઠવાડિયામાં સ્ટડી પરમિટ મેળવી રહ્યા છે. એટલે કે, અભ્યાસ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓને લાંબી રાહ જોવી પડતી નથી.

વિશેષજ્ઞોના મતે, ઝડપી પ્રોસેસિંગ સમયને કારણે કેનેડા હજુ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય ગંતવ્ય બની રહ્યું છે. ખાસ કરીને જ્યારે કેટલાક દેશોમાં સ્ટડી વિઝા મેળવવામાં વધુ સમય લાગે છે, ત્યારે કેનેડા સરળ અને ઝડપી પ્રક્રિયા માટે ઓળખાય છે.

આ બદલાવથી કેનેડામાં અભ્યાસ કરવા અથવા કામ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને મોટી રાહત મળશે. હવે તેઓ વધુ ઝડપથી પરમિટ મેળવી પોતાના કરિયર અથવા અભ્યાસ માટેની યોજના આગળ વધારી શકશે.