
કેનેડામાં કાયમી રહેઠાણ (PR) સંબંધિત નિયમોમાં છેલ્લા કેટલાક સમયથી અનેક ફેરફારો થયા છે. હવે સરકાર એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ હેઠળ નોકરી ઓફર માટે CRS પોઈન્ટ્સ ફરી આપવાની યોજના બનાવી રહી છે, જેનાથી વિદેશી કામદારોને સીધો ફાયદો થશે.

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) મુજબ, ઉચ્ચ પગારવાળી નોકરીઓમાં કામ કરતા અને સંબંધિત અનુભવ ધરાવતા ઉમેદવારોને વધારાના CRS પોઈન્ટ્સ આપવામાં આવી શકે છે. નોંધનીય છે કે સરકારે 2025માં નોકરી ઓફર માટે મળતા વધારાના પોઈન્ટ્સ બંધ કરી દીધા હતા, પરંતુ હવે તેને ફરી શરૂ કરવાની તૈયારી છે.

હાલમાં આ ફેરફારો ક્યારે અમલમાં આવશે તેની ચોક્કસ સમયરેખા જાહેર કરવામાં આવી નથી. જોકે, મીડિયા અહેવાલ મુજબ, આ અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.

કેનેડાએ પ્રતિભાશાળી લોકો માટે “ટેલેન્ટ એટ્રેક્શન સ્ટ્રેટેજી” પણ તૈયાર કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરના કુશળ વ્યક્તિઓને આકર્ષવાનો છે. આ યોજના હેઠળ ખાસ કરીને એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેમની પાસે પહેલેથી જ કેનેડિયન કંપની તરફથી નોકરી ઓફર છે અને તેઓ દેશના શ્રમબજારમાં યોગદાન આપી રહ્યા છે.

ખાસ કરીને હેલ્થકેર, એન્જિનિયરિંગ અને અન્ય કુશળ વ્યવસાયોમાં કામ કરતા લોકો માટે PR મેળવવાનો માર્ગ વધુ સરળ બનવાની શક્યતા છે. આવા ઉમેદવારોને સામાન્ય કરતાં વધુ પગાર મળતો હોય છે, જેથી તેઓને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે.

આ બદલાવ ખાસ કરીને તે લોકો માટે લાભદાયક રહેશે, જે હાલમાં કેનેડામાં વર્ક પરમિટ અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) પર કામ કરી રહ્યા છે. ઉચ્ચ પગારવાળી નોકરી ઓફર ધરાવતા ઉમેદવારોના CRS પોઈન્ટમાં વધારો થવાથી તેઓને વહેલી તકે ITA (Invitation to Apply) મળવાની શક્યતા વધશે.

ITA મળવું એ PR તરફનો મહત્વપૂર્ણ પગલું છે. જો તમે ડૉક્ટર, નર્સ, ઇલેક્ટ્રિશિયન જેવા પ્રમાણિત અને કુશળ વ્યવસાય સાથે જોડાયેલા છો, તો આ નવા નિયમો તમારા માટે વધુ ઝડપી PR મેળવવાનો રસ્તો ખોલી શકે છે.