
ટ્રેનમાં મુસાફરી કરનારા ઘણા લોકોને એવું લાગે છે કે જો દારૂની બોટલ સીલબંધ હોય અને તેની માત્રા ઓછી હોય (એક કે બે બોટલ), તો તેને ટ્રેનમાં લઈ જવામાં કોઈ જ વાંધો નથી, પરંતુ આ માન્યતા તમને મોટી કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે.

ટ્રેનમાં દારૂ લઈ જવાના નિયમો ખૂબ જ કડક છે. માત્ર બોટલ સીલબંધ હોવાથી કે દારૂ ઓછી માત્રામાં હોવાથી એ સાબિત નથી થતું કે તમે તેને ટ્રેનમાં સાથે રાખીને બિન્દાસ મુસાફરી કરી શકો છો.

રેલવે અધિનિયમ, 1989 ની કલમ 165 હેઠળ, ટ્રેનમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર કડક કાર્યવાહીની જોગવાઈ છે. જો કોઈ મુસાફર દારૂ સાથે પકડાય અને તેનો કેસ આ કાયદા હેઠળ આવે, તો તેની સામે આકરો દંડ ફટકારવામાં આવી શકે છે.

કેટલીક ગંભીર પરિસ્થિતિઓમાં મુસાફરને દંડની સાથે જેલની સજા પણ થઈ શકે છે. તેથી, માત્ર એક કે બે સીલબંધ બોટલ હોવા પર RPF કે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તેમ માની લેવું સૌથી મોટી ભૂલ છે.

જો ટ્રેનમાં દારૂની બોટલ ખુલ્લી મળે અથવા મુસાફર ટ્રેનમાં જ દારૂ પીતો પકડાય કે નશાની હાલતમાં અન્ય મુસાફરોને પરેશાન કરતો પકડાય, તો રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા જાહેર શાંતિ ભંગ કરવાના કાયદા હેઠળ તાત્કાલિક ધરપકડ થઈ શકે છે.

જ્યારે તમારી ટ્રેન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી હોય ત્યારે દારૂની હેરફેરનો મામલો વધુ ગંભીર બની જાય છે. દારૂની ખરીદી, વેચાણ અને હેરફેરના નિયમો દરેક રાજ્યના પોતાના અલગ આબકારી (Excise) કાયદા મુજબ બદલાય છે.

ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં દારૂબંધી છે. આવા ડ્રાય સ્ટેટ્સમાં ટ્રેન મારફતે દારૂ લઈને પહોંચવા પર માત્ર રેલવેના જ નહીં, પરંતુ તે રાજ્યના કડક પોલીસ કાયદાઓ પણ લાગુ પડે છે, જે તમને સીધા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.

દિલ્હી મેટ્રો અને ભારતીય રેલવેના નિયમો સમાન નથી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ 2023 માં મુસાફરોને દિલ્હીની હદમાં મહત્તમ બે સીલબંધ દારૂની બોટલ લઈ જવાની સત્તાવાર મંજૂરી આપી હતી. તેથી ત્યાં દંડ નથી થતો.

મેટ્રોમાં ભલે દારૂ લઈ જવાની છૂટ હોય, પરંતુ જ્યારે તમે દિલ્હીથી ગુરુગ્રામ (હરિયાણા) કે નોઇડા (યુપી)માં પ્રવેશો છો, ત્યારે ત્યાંના રાજ્યના નિયમો લાગુ પડે છે. આમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દારૂ લઈ જવો હંમેશા જોખમી છે.

ટ્રેનમાં દારૂ લઈ જવા માટે દેશભરમાં કોઈ એક સમાન નિયમ નથી. તેથી જ, જો તમે ટ્રેનમાં દારૂ લઈ જવાનું વિચારી રહ્યા છો, તો મુસાફરી શરૂ કરતા પહેલા બંને રાજ્યો (જ્યાંથી બેસો છો અને જ્યાં ઉતરો છો) અને રેલવેના નિયમોની યોગ્ય તપાસ કરવી હિતાવહ છે.