
મગજમાં ઘણી વાર સવાલ આવતો હશે કે, શું 'પોલીસ' કોઈ પણ વ્યક્તિની વૉરંટ વગર ધરપકડ કરી શકે છે? આમ જોવા જઈએ તો, ઘણા લોકોનો જવાબ 'હા' જ હશે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે, ભારતનો કાયદો એવું બિલકુલ કહેતો નથી. સરળ રીતે કહીએ તો, પોલીસ જ્યારે ઈચ્છે ત્યારે કોઈની પણ માન્ય વૉરંટ વગર ધરપકડ કરી શકતી નથી. આમ જોવા જઈએ તો, પોલીસ પાસે ધરપકડ કરવાનો અધિકાર ચોક્કસપણે હોય છે પરંતુ આ માટે કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

આનું મુખ્ય કારણ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને બંધારણની કલમ 21 તેમજ 22 છે, જે લોકોની આઝાદીનું રક્ષણ કરે છે. સરળ શબ્દોમાં સમજીએ તો, પોલીસને કાયદા મુજબ જ કાર્યવાહી કરવાનો માન્ય અધિકાર છે. જો નિયમોનું પાલન કરવામાં ન આવે તો ધરપકડને અદાલતમાં પડકારી શકાય છે. BNSS ની કલમ 35(1) કહે છે કે, જો કોઈ કોગ્નિઝેબલ (Cognizable - ગંભીર) ગુના, જેમ કે હત્યા, લૂંટ, ડકેતી, બળાત્કાર કે ચોરીમાં કોઈ વ્યક્તિ જોડાયેલ હોવાની સચોટ માહિતી કે મજબૂત શંકા હોય, તો પોલીસ વૉરંટ વગર ધરપકડ કરી શકે છે. જો કે, માત્ર શંકાના આધારે ધરપકડ ન થઈ શકે. પોલીસે એ પણ જણાવવું પડશે કે, ધરપકડ કેમ જરૂરી (જેમ કે આરોપીના ભાગી જવાનો ખતરો હોય, પુરાવા નાશ થવાની શંકા હોય કે તપાસ પ્રભાવિત થવાનો ડર હોય) છે.

જો મામલો નોન-કોગ્નિઝેબલ (Non-Cognizable - સામાન્ય) ગુનાનો હોય, તો પોલીસ સીધી ધરપકડ કરી શકતી નથી. BNSS ની કલમ 35(2) અનુસાર આવા કિસ્સાઓમાં પહેલા મેજિસ્ટ્રેટ પાસેથી વૉરંટ કે આદેશ લેવો જરૂરી હોય છે. ટૂંકમાં દરેક મામલે પોલીસને વૉરંટ વગર ધરપકડ કરવાનો અધિકાર નથી. કાયદાએ આ અધિકાર પર સ્પષ્ટ મર્યાદાઓ નક્કી કરી છે.

સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, સાત વર્ષ સુધીની સજા વાળા ઘણા મામલાઓમાં પોલીસે દરેક વખતે ધરપકડ કરવી જોઈએ નહીં. આવા કિસ્સાઓમાં પહેલા આરોપીને નોટિસ આપીને તપાસમાં તેને જોડાવા માટે બોલાવી શકાય છે. જો તે સહયોગ કરે છે, તો ધરપકડ જરૂરી હોતી નથી. પોલીસ જો ધરપકડ કરે છે, તો તેણે લેખિતમાં કારણ નોંધવું પડે છે.

જો પોલીસ કોઈની ધરપકડ કરે છે, તો તેને તરત જ ધરપકડનું કારણ જણાવવું પડશે. ધરપકડ કરાયેલી વ્યક્તિને વકીલને મળવાનો અધિકાર છે. તેના પરિવાર કે કોઈ વિશ્વાસુ વ્યક્તિને ધરપકડની જાણ કરવી પણ જરૂરી છે. પોલીસે ધરપકડનો મેમો તૈયાર કરવો પડે છે અને આરોપીને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો ફરજિયાત છે. આ અધિકાર બંધારણ અને BNSS બંનેમાં આપવામાં આવ્યા છે.

પોલીસ કોઈ વ્યક્તિની નોન-કોગ્નિઝેબલ મામલામાં વૉરંટ વગર ધરપકડ કરી શકતી નથી. પોલીસ કોઈને બિનજરૂરી કસ્ટડીમાં રાખી શકતી નથી અને ન તો મારપીટ, ધમકી કે બળજબરીથી નિવેદન અપાવી શકે છે. ધરપકડ સમયે પોલીસે પોતાની ઓળખ જણાવવાની હોય છે અને ધરપકડની આખી પ્રક્રિયાનો રેકોર્ડ રાખવો જરૂરી હોય છે. મહિલાઓની રાત્રે ધરપકડ પણ સામાન્ય સ્થિતિમાં કરી શકાતી નથી.

જો પોલીસ કાયદા હેઠળ ધરપકડ કરી રહી હોય, તો તેનો વિરોધ કરી શકાતો નથી. BNSS ની કલમ 43(2) અનુસાર, ધરપકડથી બચવા કે વિરોધ કરવા પર પોલીસ જરૂરી બળનો ઉપયોગ કરી શકે છે. જો કે, ધરપકડ કરાયેલી વ્યક્તિ પોલીસને ધરપકડનું કારણ પૂછી શકે છે, વકીલની માંગ કરી શકે છે અને પાછળથી અદાલતમાં ધરપકડની માન્યતાને પડકારી પણ શકે છે. જો પોલીસ કાયદા મુજબ ધરપકડની પ્રક્રિયા પૂરી નથી કરતી કે તમારા અધિકારોનું ઉલ્લંઘન કરે છે, તો અદાલતમાં આની ફરિયાદ કરી શકાય છે. આવી સ્થિતિમાં આરોપી જામીનની માંગ કરી શકે છે અને અદાલત સમક્ષ એ પણ બતાવી શકે છે કે, ધરપકડ નિયમોની વિરુદ્ધ થઈ છે.