
અત્યારના સમયમાં ઘર ખરીદવું એ એક સપના જેવું થઈ ગયું છે. હાલના સમયમાં ફ્લેટની કિંમત જ અંદાજિત 50 થી 60 લાખને પાર પહોંચી છે. એવામાં જો તમને કોઈ એમ કહે કે, આ જગ્યા પર માત્ર 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે, તો તમે શું કરશો?

હવે 100 રૂપિયામાં ઘર મળતું હોય તો સ્વાભાવિક છે કે, તમે તરત જ ઘર ખરીદશો અને તેને લઈને યોગ્ય પ્લાનિંગ પણ કરી નાખશો. હવે આ ઘર લેવા માટે તમારે શું-શું ધ્યાન રાખવું તે અંગે ચાલો વિગતવાર સમજી લઈએ.

વાત એમ છે કે, ફ્રાન્સના એમ્બર (એમ્બર્ટ) નામના નાના શહેરમાં તમારું ઘર ખરીદવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. જો કે, આ માટે કેટલીક શરતો છે કે જે તમારે પૂરી કરવી પડશે. જણાવી દઈએ કે, આ શરતો પૂરી કરવી ખૂબ જ સરળ છે.

ફર્સ્ટ-ટાઈમ હોમ બાયર્સ: આ યોજના માત્ર એમના માટે છે કે જેમણે ક્યારેય ઘર ખરીદ્યું ન હોય. જો તમારી પાસે પહેલેથી જ ઘર છે અથવા તો બીજું ઘર લેવા ઈચ્છો છો, તો તમે આ સ્કીમને યોગ્ય પાત્ર નથી.

રહેવું ફરજિયાત, નહીતર દંડ લાગશે: અહીં ફક્ત ઘર ખરીદવું જ પૂરતું નથી, તમારે ત્યાં ઓછામાં ઓછા 3 વર્ષ સુધી રહેવું પણ ફરજિયાત છે. જો તમે આ શરત ન માનો તો સરકાર દ્વારા આપવામાં આવેલી સબસિડી પાછી લઈ લેવામાં આવશે અને તમને દંડ પણ ભરવો પડી શકે છે. સૌથી મોટી વાત, તમે આ ઘરને ભાડે પણ આપી શકતા નથી.

રીનોવેશન બનશે તકલીફ: હવે ખર્ચની વાત કરીએ તો, મોટાભાગના ઘરોની હાલત ખૂબ જ ખરાબ છે. સમસ્યાઓ પર નજર કરીએ તો ઘરમાં છત તૂટી ગયેલી, દીવાલો નબળી, વાયરિંગ અને પાણીની લાઈનો બગડેલી છે. આ તમામ વસ્તુઓ પર આપણે ખર્ચો કરવો પડી શકે છે.

કેટલાક કિસ્સાઓમાં તમારે રિનોવેશન પ્લાન અને ટાઈમલાઇન પણ જમા કરાવવી પડશે. ટૂંકમાં કહીએ તો, તમને ₹100માં ઘર મળી શકે છે પરંતુ તેને રહેવા લાયક બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડશે.

એેમ્બર એ એકમાત્ર શહેર નથી કે જે આવી યોજના લઈને આવ્યું છે. ઇટલી, સ્પેન અને યુરોપના અનેક નાના શહેરો પણ પોતાની ઘટતી વસ્તીને રોકવા માટે આવી જ '1 યુરો હાઉસ સ્કીમ' ચલાવી ચૂક્યા છે.

આ યોજના જેટલી રોમાંચક લાગે છે એટલી જ પડકારજનક છે. જો તમે આ પડકારને અવસરમાં ફેરવી શકતા હોય તો આ સ્કીમ ખાસ તમારા માટે જ છે. જો યોગ્ય પ્લાનિંગ હોય, તો ઓછી કિંમતે યુરોપમાં ઘર ખરીદવાનું સપનું હકીકત બની શકે છે.
Published On - 6:45 pm, Wed, 23 July 25