
શું તમે જાણો છો કે વર્ટિકલ સોલર પેનલ એવા લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે જેમના ઘર પર ધાબું કે છત ન હોવાને કારણે મફત વીજળી ઉત્પન્ન કરી શકતા નથી. વર્ટિકલ સોલર પેનલ 90 ડિગ્રી પર સીધા લગાવવામાં આવે છે અને તેને ઇમારતની દીવાલો, બાઉન્ડ્રી વોલ કે બાલ્કનીની રેલિંગ પર ફીટ કરી શકાય છે. આ પેનલ આગળ અને પાછળ બંને બાજુથી પ્રકાશ શોષીને વીજળી ઉત્પન્ન કરી શકે છે.

જ્યારે પણ આપણે સોલર પેનલ્સ વિશે વિચારીએ છીએ, ત્યારે મનમાં સૌથી પહેલાં કોઈ ધાબા પર પથરાયેલી વાદળી ચાદર જેવી પેનલનું ચિત્ર સામે આવે છે. જોકે શહેરોમાં દરેક વ્યક્તિ પાસે ધાબું હોતું નથી જ્યાં પેનલ લગાવી શકાય. આ સમસ્યાના ઉકેલ તરીકે વર્ટિકલ સોલર પેનલ ટેકનોલોજી સામે આવી છે. તેને ધાબાને બદલે દીવાલો, બાલ્કનીની ગ્રીલ કે કમ્પાઉન્ડ વોલ પર સીધા 90 ડિગ્રીના ખૂણે ઇન્સ્ટોલ કરવામાં આવે છે.

સામાન્ય પેનલ્સ કરતાં અલગ રીતે ઇન્સ્ટોલ થવાને કારણે આ પેનલ્સ શહેરોની વીજ કટોકટી હલ કરવામાં ગેમચેન્જર સાબિત થઈ રહ્યા છે. આનાથી જગ્યાની સમસ્યા તો દૂર થાય જ છે, સાથે જ સવાર-સાંજ પીક અવર્સમાં પણ પૂરતી વીજળી મળી રહે છે.

વર્ટિકલ સોલર પેનલ શું છે અને કેવી રીતે કામ કરે છે?: આ પેનલ્સ પણ સામાન્ય પેનલની જેમ જ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ પર કામ કરે છે, પરંતુ તેને 75 થી 90 ડિગ્રીના સીધા એંગલ પર લગાવવામાં આવે છે. આ ખૂણાના કારણે જ્યારે સૂર્ય ક્ષિતિજ પર નીચે હોય (સવારે અને સાંજે), ત્યારે પણ તેના પર સીધો તડકો પડે છે.

તેમાં વપરાતા સોલર સેલ્સ સૂર્યપ્રકાશને DC વીજળીમાં રૂપાંતરિત કરે છે, જેને ઇન્વર્ટર દ્વારા AC વીજળીમાં ફેરવીને ઘરો કે ગ્રીડ સુધી પહોંચાડવામાં આવે છે.

બાઇફેશિયલ ટેકનોલોજીથી 30% સુધી વધુ આઉટપુટ: વર્ટિકલ પેનલ્સની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં બાઇફેશિયલ (બંને બાજુથી વીજળી પેદા કરતા) સેલ્સનો ઉપયોગ થાય છે. તેનો ફાયદો એ છે કે પેનલ આગળથી આવતા સીધા સૂર્યપ્રકાશને તો શોષે જ છે, સાથે જ તેની પાછળની સપાટી દીવાલો, જમીન કે આસપાસની વસ્તુઓ પરથી પરાવર્તિત (રિફ્લેક્ટ) થતા પ્રકાશને પણ કેપ્ચર કરે છે. આ કારણે સામાન્ય પેનલની સરખામણીએ તે 10 થી 30 ટકા સુધી વધારાની વીજળી ઉત્પન્ન કરી શકે છે.

મેન્ટેનન્સની ઝંઝટમાંથી મુક્તિ: આ પેનલની અન્ય એક ખાસિયત એ છે કે તેના પર ધૂળ, માટી કે પક્ષીઓની અઘાર સરળતાથી જમા થતી નથી. સામાન્ય ફ્લેટ પેનલ્સ પર ધૂળ જામવાથી તેમની ક્ષમતા 20 થી 30 ટકા સુધી ઘટી જાય છે. વર્ટિકલ પેનલ્સ સીધા ઊભા હોવાથી તેના પર કચરો ટકતો નથી અને વરસાદમાં તે આપોઆપ સાફ થઈ જાય છે. ઉપરાંત, બરફવર્ષાવાળા વિસ્તારોમાં સામાન્ય પેનલ્સ ઢંકાઈ જાય છે, જ્યારે વર્ટિકલ પેનલ પર બરફ જામતો નથી અને તે કડકડતી ઠંડીમાં પણ કાર્યરત રહે છે.

ક્યાં-ક્યાં લગાવી શકાય?: ઇમારતની બહારની દીવાલો: તેને કોઈપણ બિલ્ડિંગની દીવાલ પર લગાવી શકાય છે, જ્યાં તે દીવાલનો હિસ્સો બનીને વીજળી બનાવશે. બાઉન્ડ્રી વોલ: ઘર કે ફેક્ટરીની કમ્પાઉન્ડ વોલ પર ફેન્સિંગ તરીકે લગાવીને સુરક્ષા સાથે પાવર જનરેશન મેળવી શકાય છે. બાલ્કની રેલિંગ: ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો બાલ્કનીની ગ્રીલ પર લગાવીને પોતાના ઉપયોગ માટે વીજળી બનાવી શકે છે.

ભારતમાં કેટલો ખર્ચ થશે? ભારતમાં વર્ટિકલ સોલર પેનલ ઉપલબ્ધ છે અને તેની અંદાજિત કિંમતો આ મુજબ છે: 1 kW ક્ષમતા માટે: આશરે ₹65,000 સુધીનો ખર્ચ, 2 kW ક્ષમતા માટે: આશરે ₹1,15,000 સુધીનો ખર્ચ, 3 kW ક્ષમતા માટે: આશરે ₹1,65,000 સુધીનો ખર્ચ, 5 kW મોટા ઘરો માટે: આશરે ₹2,75,000 સુધીનો ખર્ચ આવી શકે છે.