
આજે 1 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા જ સામાન્ય જનતા અને વેપારીઓને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹49નો વધારો કર્યો છે. નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે.

દેશની મુખ્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ — ઇન્ડિયન ઓઇલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) — દ્વારા આ ભાવવધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે જાન્યુઆરી મહિનામાં પણ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹111નો મોટો વધારો થયો હતો. જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજ્ય માલિકીની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. અગાઉ જાન્યુઆરીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. જ્યારે ગયા વર્ષના નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં અનુક્રમે ₹5 અને ₹10નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ અથવા કન્ફેક્શનરી LPG સિલિન્ડરના ભાવમાં ₹49નો વધારો થયો છે. હવે તેની કિંમત ₹1740.50 થઈ ગઈ છે, જ્યારે અગાઉ આ ભાવ ₹1691.50 હતો.બીજી તરફ, સામાન્ય ઘરોમાં વપરાતા 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત હજુ પણ ₹853 છે.

ભાવવધારાની અસર અન્ય મહાનગરોમાં પણ જોવા મળી રહી છે. કોલકાતા: ₹1844.50, મુંબઈ: ₹1692.00, ચેન્નાઈ: ₹1899.50, ગુજરાત: ₹1709.00 આ તમામ શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા ભાવ આજથી લાગુ થયા છે.

જોકે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026માં ભાવમાં વધારો થયો છે, પરંતુ ગયા કેલેન્ડર વર્ષ દરમિયાન અનેક વખત ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. ગયા વર્ષે માર્ચમાં દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹1803 હતી, જે એપ્રિલમાં ₹1762 અને મેમાં ₹1747.50 થઈ હતી. ત્યારબાદ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સતત ઘટાડો થયો હતો. ડિસેમ્બર 2025માં આ ભાવ ₹1580.50 સુધી આવી ગયો હતો.

ઘરેલુ LPG સિલિન્ડરના હાલના ભાવ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ છેલ્લે 8 એપ્રિલ, 2025ના રોજ બદલવામાં આવ્યા હતા. હાલ વિવિધ શહેરોમાં ઘરેલુ સિલિન્ડરના ભાવ આ પ્રમાણે છે. દિલ્હી: ₹853, કોલકાતા: ₹879, મુંબઈ: ₹852.50, ચેન્નાઈ: ₹868.50. જ્યારે ગુજરાતમાં ₹860.50 છે. આ વચ્ચે હવાઈ જહાજના ઈંધણ એટલે કે ATFના ભાવમાં ઘટાડો થયો છે. 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવેલા નવા ભાવ મુજબ, દિલ્હીમાં ATFની કિંમત પ્રતિ કિલોલિટર $791.48થી ઘટીને $778.85 થઈ ગઈ છે.
Published On - 9:00 am, Sun, 1 February 26