
સૌ પ્રથમ, પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન (Unsecured Loan) હોય છે. એટલે કે આ લોન સામે કોઈ ગીરવે રાખવામાં આવેલી સંપત્તિ નથી. તેથી બેન્ક અથવા નાણાકીય સંસ્થા લોન લેનાર વ્યક્તિ પાસેથી જ વસૂલાત કરી શકે છે.

જો લોન લેનાર વ્યક્તિ (પિતા) જીવિત હોય તો લોન ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી તેમની જ રહે છે. પરંતુ જો તેમન અવસાન થાય છે, તો પરિસ્થિતિ થોડી બદલાઈ જાય છે. કાયદા મુજબ પુત્ર કે પરિવારના સભ્યો પર સીધી રીતે લોન ભરવાની ફરજ નથી પડતી.

જોકે એક મહત્વપૂર્ણ શરત છે. જો પુત્ર કે પરિવારના સભ્યો પિતાની સંપત્તિ વારસામાં મેળવે છે, તો તે સંપત્તિના મૂલ્ય સુધી તેઓ લોન ચૂકવવા માટે જવાબદાર બની શકે છે. સરળ ભાષામાં કહીએ તો જો તમને પિતાની મિલકત મળે છે, તો લોનદાતા તે મિલકતમાંથી લોન વસૂલ કરી શકે છે.

બીજી તરફ જો કોઈ પણ પ્રકારની સંપત્તિ વારસામાં મળતી નથી, તો બેન્ક પુત્રને લોન ભરવા માટે મજબૂર કરી શકતી નથી. તેમજ જો પુત્ર લોનમાં ગેરંટીદાર (Guarantor) અથવા કો-અપ્લિકન્ટ (Co-applicant) તરીકે જોડાયેલ હોય તો તેની જવાબદારી ઉભી થાય છે.

આથી લોન લેતી વખતે ગેરંટીદાર બનતા પહેલા અથવા કો-અપ્લિકન્ટ તરીકે નામ ઉમેરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે આવી સ્થિતિમાં ભવિષ્યમાં નાણાકીય જવાબદારી ઊભી થઈ શકે છે.

સારાંશ રૂપે કહીએ તો પિતાની પર્સનલ લોન આપમેળે પુત્ર પર ટ્રાન્સફર થતી નથી. પરંતુ વારસામાં મળેલી સંપત્તિ અથવા ગેરંટીદાર તરીકેની ભૂમિકા આ જવાબદારી નક્કી કરે છે.