
મેનોપોઝ મહિલાઓના જીવનનો એક પ્રાકૃતિક પડાવ છે. સામાન્ય રીતે આ દરમિયાન મહિલાઓના પીરિયડ્સ હંમેશા માટે બંધ થઈ જાય છે. તેની પાછળનું મુખ્ય કારણ અંડાશયની ગતિવિધોમાં ઉણપ અને એસ્ટ્રોજન જેવા હોર્મોનના લેવલમાં ફેરફાર થવું છે.

એસ્ટ્રોજન મહિલાના શરીરમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. તે ફક્ત પ્રજનનક્ષમતા સાથે સંબંધિત નથી, તે હાડકાં અને અન્ય શારીરિક પ્રક્રિયાઓને પણ અસર કરે છે.

હોટ ફ્લૈશેસ અને રાત્રે પરસેવો,ચહેરા, ગરદન અને છાતીમાં અચાનક ગરમી મહેસુસ થાય છે, ત્યારબાદ સ્કિન લાલ થઈ જાય છે, અને પુષ્કળ પરસેવો થઈ શકે છે. રાત્રે પરસેવો થવાથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

મૂડ સ્વિંગ અને માનસિક ફેરફારો થાય છે. અચાનક ગુસ્સો, ઉદાસી, ચિંતા અને ધ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ કોઈ કારણ વગર થઈ શકે છે. એસ્ટ્રોજનનું સ્તર ઘટવાથી મગજમાં સેરોટોનિનનું ઉત્પાદન ઓછું થાય છે.

હાડકા નબળા પડવાથી - એસ્ટ્રોજન મજબૂત હાડકાં જાળવવામાં મદદ કરે છે. મેનોપોઝ પછી, હાડકાની ઘનતા ઝડપથી ઘટે છે, જેનાથી સાંધામાં દુખાવો અને ફ્રેક્ચર થવાનું જોખમ વધે છે.

વજનમાં વધારો અને મેટાબોલિજમ ધીમું થાય છે. હોર્મોનલ અસંતુલન પેટની આસપાસ ચરબી જમા થવાનું કારણ બની શકે છે કારણ કે શરીરનું ચયાપચય ધીમું થઈ જાય છે.

યોનિમાર્ગમાં શુષ્કતા આવે છે. પ્રાઈવેટ પાર્ટમાં શુષ્કતા, ખંજવાળ અને દુખાવો થઈ શકે છે. વધુમાં, વારંવાર યુરિનના ઈન્ફેક્શનનું જોખમ વધે છે.

મેનોપોઝ કોઈ બીમારી નથી. પરંતુ આ મહિલાઓના જીવનમાં એક પડાવ છે. આ દરમિયાન પોતાના શરીરમાં થઈ રહેલા ફેરફારને સ્વીકારે છે. જો તમે યોગ્ય ડાયટ અને નિયમિત કસરત તેમજ ડોક્ટરની સલાહ લો તો મેનોપોઝ દરમિયાન શરીરમાં થતા ફેરફારથી બચી શકો છો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)