
ટેલિકોમ કંપની ભારતી એરટેલે (Airtel) પોતાના ગ્રાહકો માટે ત્રણ નવા 'Voice-Only' પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે, જેની શરૂઆતી કિંમત ₹185 છે. આ તમામ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 300 SMS ની સુવિધા આપવામાં આવી રહી છે. ખાસ કરીને જે યુઝર્સ ફોનમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા નથી અથવા માત્ર સેકન્ડરી સિમ કાર્ડ એક્ટિવ રાખવા માંગે છે, તેમના માટે આ પ્લાન અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.

અગાઉ ગ્રાહકોએ પોતાના અથવા વડીલોના સિમ કાર્ડમાં માત્ર કૉલિંગ ચાલુ રાખવું હોય તો પણ ફરજિયાતપણે ડેટા બંડલ વાળો પ્લાન ખરીદવો પડતો હતો, જેના લીધે ઇન્ટરનેટ ન વાપરવા છતાં બિનજરૂરી પૈસા ચૂકવવા પડતા હતા. જોકે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના નિર્દેશો અનુસાર ટેલિકોમ કંપનીઓએ ફક્ત કૉલિંગ આધારિત પ્લાન અને 30 દિવસ કે એક મહિનાની વેલિડિટીવાળા વિકલ્પો આપવા ફરજિયાત છે. આ અંતર્ગત એરટેલે આ નવા વિકલ્પો જાહેર કર્યા છે.

એરટેલનો ₹185 વાળો પ્લાન: ઓછી કિંમતમાં માત્ર કૉલિંગ રિચાર્જ ઇચ્છતા યુઝર્સ માટે ₹185 વાળો પ્લાન શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં ગ્રાહકોને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ, STD અને નેશનલ રોમિંગ કૉલિંગની સુવિધા મળે છે. આ સાથે મેસેજિંગ માટે કુલ 300 SMS અને ફ્રી હેલો ટ્યુનની સુવિધા પણ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

₹203 ના પ્લાનમાં મળશે 30 દિવસની વેલિડિટી: જો તમે 28 દિવસને બદલે પૂરા 30 દિવસ સુધી પ્લાન ચલાવવા માંગતા હોવ, તો એરટેલનો ₹203 વાળો પ્લાન પસંદ કરી શકો છો. આ પેકમાં પણ દેશભરમાં અનલિમિટેડ કૉલિંગ અને 300 SMS મળે છે. ₹185 વાળા પ્લાનની સરખામણીએ માત્ર ₹18 વધુ ચૂકવીને ગ્રાહકને વધારાના બે દિવસ એટલે કે પૂરા 30 દિવસની વેલિડિટી પ્રાપ્ત થાય છે.

એરટેલનો ₹206 વાળો કેલેન્ડર મંથ પ્લાન: એરટેલનો ₹206 નો પ્લાન પણ ડેટા વિના માત્ર કૉલિંગની જરૂરિયાત ધરાવતા ગ્રાહકો માટે તૈયાર કરાયો છે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કૉલ્સ તેમજ 300 SMS ની સુવિધા મળે છે. તેની વિશેષતા એ છે કે તેની વેલિડિટી પૂરા ‘એક મહિના’ (Calendar Month) ની હોય છે, એટલે કે જે તારીખે રિચાર્જ કરાવ્યું હોય તે જ તારીખે આગામી મહિને રિચાર્જ કરાવવાનું રહે છે.

આ પ્લાન્સ કોના માટે સૌથી વધુ ફાયદાકારક? જો તમે સ્માર્ટફોન કે કીપેડ ફોનમાં ઇન્ટરનેટ વાપરતા નથી, અથવા ઘરમાં માતા-પિતા કે વડીલોના ફોનમાં ફક્ત કૉલિંગની જ જરૂર રહે છે, તો આ Voice-Only પ્લાન્સ ખૂબ જ આર્થિક રાહત આપનારા છે. તેનાથી મોંઘા ડેટા પેક્સ પર વધારાનો ખર્ચ કરવો પડતો નથી.